જિલ્લાના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરૂણ મહેશ બાબુએ આપ્યું માર્ગદર્શન
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે એક્શન મોડમાં આવી જવા તેમણે સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સવારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દૈવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી તથા અધિક કલેક્ટર એસ. જે. ખાચર તેમજ વિવિધ વિભાગોના નોડલ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી એ વિભાગવાર કામગીરીની વહેંચણી કરી, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરેક અધિકારી-કર્ચમારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, લોકપ્રતિનિધિત્વ ધારો, કંડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ સહિતના સાહિત્યનો અભ્યાસ કરી લેવા જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી માટે હવે મર્યાદિત સમય હોવાથી સૌને એક્શન મોડમાં કામ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યકમો યોજવા સૂચના આપી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતરિત થતા મતદારો મતદાન કરી શકે તે માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને આયોજન કરવા પણ જણાવ્યું હતું.