મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિ દિવાળી પહેલા ગુજરાત આવશે
ગુજરાતમાં ડિસેમ્બર દરમિયાન યોજાનારી વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર એ.કે.જોતિ તેમની સમગ્ર ટીમ સાથે ગુજરાતની મુલાકાતે આવવાના છે તે અગાઉ ગુજરાત એકમના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. જેના ભાગરૂપે ગુરુવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજવાનું નક્કી કરાયું છે.પંચના સૂત્રોની માહિતી મુજબ, નવી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે કુલ ૫૦,૧૨૮ બૂથ તૈયાર કરવાનું નક્કી કરાયું છે. દરેક મત-વિસ્તાર દીઠ બૂથ તૈયાર કરવા માટેના સ્થળ પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. અત્યારે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ (ક્રીટકલ) બૂથો તૈયાર કરવા માટે ગૃહ વિભાગ-પોલીસ પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે.