જે રાષ્ટ્રના સુકાનીઓ રાષ્ટ્રનાં કરતાં રાજગાદીને સર્વોપરી માને અને પ્રજાનાં હિતોને ઠોકરે મારે એ દેશનું અધ:પતન થયા વિના રહેતું નથી; એની પ્રતીતિ થવાની હોય એમ આપણા દેશની રાજકીય, આર્થિક અને રાષ્ટ્રીય સ્વતંત્રતા ચોપાસ-ચોમેર ઘેરાવા લાગી છે, એને ઉગારી દે એવા સમયની પાર જોઈ શકતા યુગ દ્રષ્ટા ચાણકયનો આપણા દેશને ખપ છે; જો સ્વતંત્રતા જ નહિ રહે તો રાજસત્તા અને ધર્મસત્તા કયાં રહેવાના એ આજનો આપણો સૌથી મહત્વનો પ્રશ્ન છે !…
એક એવો જમાનો હતો કે, આપણા હિન્દુસ્તાનની ભૂમિ પર આપણા કવિ બ્રિટીશ સલ્તનત હોવા છતાં એવો અવાજ ઉઠાવી શકતા હતા કે, ‘દૂર હટો અય દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હય… યહાં હમારા તાજમહલ હૈ, ઔર કુતુબમિનારા હય, યહાં હમારે મંદિર, મસ્જીદ, શીખોકા ગુરૂદ્વારા હૈ… ઈસ ધરતીપર કદમ બઢાના અત્યાચાર તુમ્હારા હૈ,… દૂર હટો અય દુનિયાવાલો, હિન્દુસ્તાન હમરા હૈ…’
સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા, હમ બુલબુલે હૈ ઉસકી, વહ ગુલિસ્તાં હમારા… મજહબ નહિ શીખાતા, આપસમે બૈર રખના; હિન્દી હૈ વતન હૈ, હિન્દોસ્તાં હમારા…’ આપણે દેશની આઝાદી મેળવીને, ને સ્વાધીનતા પ્રાપ્ત કરીને ગમે તેમની સામે અવાજ ઉઠાવી શકીએ એવા શકિતવાન મળી જવા જોઈતા હતા, એના બદલે માયકાંગલા અને આપણી રાજકીય સ્વતંત્રતા, આર્થિક સ્વાતંત્ર્ય અને સવા અબજ માનવીનાં સામર્થ્યને મજબૂત એક અવાજે રક્ષી ન શકીએ એવા દુર્બલ તેમજ અશકત બની બેઠા, એને આપણાદેશની કેવી દુર્ગતિ લેખવી.
આમ તો આપણા પૂર્વજો એવું કહેતા હતા કે, ‘સ્થાનથી મનુષ્યમા પવિત્રતા અને સાંસ્કૃતિક પાવરધાઈ નથી આવતા પણ મનુષ્યથી સ્થાનમાં પવિત્રતા આવે છે. અને તેજસ્વિતા આવે છે. જે સ્થળે સાધુપુરૂષો રહે છે તે સ્થાન શ્રેષ્ઠ છે અને તીર્થરૂપ છે.
અત્યારે ચૂંટણી લક્ષી અને રાજગાદીલક્ષી રાજકારણે આપણા દેશને બેહાલ બનાવી દીધો છે. અને નરી બરબાદી નોતરી છે. એ બહુમુખી પણ છે.
પરંતુ ચૂંટણીઓ અને રાજગાદીની હયાવરાળે આ દેશમાં કશું જ, જેને લીલું છમ કહીએ એવું રહેવા દીધું નથી. જયાં જાઓ અને જે જે દેખો તે સુકૂં ભઠ્ઠ જ છે !
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને રાષ્ટ્રીય ચારિત્ર્ય રક્ષવાની ધગશ ધરાવતા શ્રી રઘુરામ રાજને કોરોનાગ્રસ્ત રાષ્ટ્રમાં બેહદ વણસતી જતી પરિસ્થિતિને વક્રતી અટકાવવા અને આર્થિક સ્થિતિ સંજોગોને થાળે પાડવાનીલાલબત્તી સાથે મહત્વનાં સૂચનો કર્યા હતા. પરંતુ એ અંગે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
સરકારમાં બેઠેલાઓને કાંતો સાચી પરિસ્થિતિ સમજાતી નથી. અને કાંતો રાજકીય લાભાલાભનાં રાજકારણ વચ્ચે તેઓ સાચી નીતિ રીતિ અને સાચા પગલા લેવામાં ગોટે ચડયા છે.
કોરોના જરીકેય શમવાનું નામ લેતો નથી. એની સ્થિતિગતી બેફામ રહી છે. એ વધે છે. અને એનો કહેર પણ વધ્યે જાય છે.. આપણો દેશ ચારે કોરથી બુરી રીતે ઘેરાઈ ચૂકયો છે. અર્થતંત્ર બેહદ ખાડે ગયું છે.
ઓછામાં પૂરૂં બધી રીતે ઘેરાયેલા આ દેશ સંભવિત વિટંબણાઓ છતાં, તમામ અનિષ્ટોના મૂળ સમી ચૂંટણીનો મોહ, લાલચ છોડી શકતો નથી.
ચૂંટણીનો આ અભરખો કાંતો સંઘર્ષનાં રાજકારણની ગટરોને ખૂલ્લી કરશે અને રાજકીય સામાજીક ગંદકી વધારશે, અથવાતો ચૂંટણીની પવિત્રતાને વગોવશે.
એશિયામાં અમેરિકા-ચીન વચ્ચેનો સળવળાટ પણ ભારતનાં રાજકીય પ્રવાહોને સ્પર્શી શકે છે. આપણા દેશની, તેના તમામ મોરચે, બદતર હાલત છે. અર્થતંત્રની બેહાલીતો કોણ જાણે કયાં પહોચશે.
આખો દેશ અનેકવિધ હાલાકીઓથી ઘેરાયેલો છે. અને ચૂંટણીનું રાજકારણ તો કોરોનાગ્રસ્ત હાડમારીઓ વચ્ચે જેમનું તેમ રહ્યું છે. ચૂંટણીના રાજકારણે આપણાદેશની સૌથી વધુમાં વધુ બેહાલી નોતરી છે અને લોકશાહી મૂલ્યોની ઘોર ખોદી છે. જે રાષ્ટ્રના સુકાનીઓ રાષ્ટ્ર કરતાં રાજગાદીને સર્વોપરી ગણે અને પ્રજાનાં હિતોને ઠોકરે મારે એ દેશનું અધ:પતન થયા વિના રહેતું નથી. આ વાતની જાણે પ્રતીતિ કરાવવી હોય એમ આપણા દેશની રાજકીય, આર્થિક, અને રાષ્ટ્રીય સ્વતંત્રતા ચારે બાજુથી ઘેરાવા લાગી છે. એને ઉગારી દે એવા, સમયની પાર જોઈ શકતા યુગદ્રષ્ટા ચાણકયનો આપણા દેશને ખપ છે: કારણ કે જો સ્વતંત્રતા જ નહિ રહે તો રાજસત્તા અને ધર્મસત્તા કયાં રહેવાના એ આજનો આપણો સૌથી મહત્વનો પ્રશ્ન છે !