એમ.પી.નાં સંશાધનો અને સ્ત્રોતો માત્ર સ્થાનિક લોકો માટે જ : શિવરાજસિંહ ચૌહાણે વિડીયો કોન્ફરન્સમાં કરી મહત્વની જાહેરાત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજય સરકારની નોકરીઓ માત્ર સ્થાનિક લોકોને જ મળી રહે તે માટે જરૂરી કાયદાકિય જોગવાઈઓ બનાવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના પ્રતિઉતરમાં કમલનાથ અને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, આ નિર્ણય માત્ર ચુંટણીલક્ષી નહીં પરંતુ આવનારા સમય માટે યથાવત રાખવામાં આવે તો મધ્યપ્રદેશનાં સ્થાનિક લોકો માટે આ ખુબ જ સારા સમાચાર કહી શકાય. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીનાં જણાવ્યા મુજબ રાજયમાં સંશાધનો માત્ર રાજયનાં રહેવાસીઓ માટે જ છે. એમ.પી.ની ભાજપ સરકારે લીધેલા આ મહત્વના નિર્ણયમાં સરકારી નોકરીઓ માત્રને માત્ર મધ્યપ્રદેશનાં યુવાનોને જ અપાશે તેમ જણાવ્યું હતું. એમ.પી.નાં સંશાધનો અને સ્ત્રોત માત્રને માત્ર મધ્યપ્રદેશનાં લોકો માટે જ છે. આ અંગેની જાહેરાત શિવરાજસિંહ ચૌહાણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.
મુખ્યમંત્રીએ ટવીટ કરીને યુવાનોને પાઠવેલા પત્રના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજથી મધ્યપ્રદેશના સંશાધનોમાં એમ.પી.નાં બાળકોને પ્રથમ અધિકાર અને પ્રાધાન્યતા આપવામાં આવશે. તમામ સરકારી નોકરીઓ મધ્યપ્રદેશના બાળકો માટે અનામત રહેશે. મુખ્યમંત્રી ચૌહાણનાં જણાવ્યા પ્રમાણે તેમનો હેતુ સ્થાનિક પ્રતિભાવોને રાજયના વિકાસમાં જોડવા માટેનો છે. સતાવાર નિવેદનમાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજયનાં વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં જોડવામાં આવશે અને આ જોગવાઈને સુરક્ષિત કરવા માટે જરૂરી માર્ગદર્શીકા પણ બનાવવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ સરકાર આજ મુદ્દે યુવાનોને રોજગારીની સુરક્ષા ધો.૧૦ અને ધો.૧૨નાં ગુણપત્રક પરીણામના આધારે આપવાની વ્યવસ્થા માટે માળખાગત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે ત્યારપછી કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે પણ સ્થાનિક ઔધોગિક એકમોમાં ૭૦ ટકા સ્થાનિક લોકોને નોકરી આપવાની જાહેરાત કરી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત સામે કમલનાથે જણાવ્યું હતું કે, રાજયનાં વિદ્યાર્થીઓ અને યુવાનો ફરીથી છેતરપિંડીનો ભોગ ન બનવા જોઈએ. ભાજપના ૧૫ વર્ષની નીતિમાં આ આકારનાં કેસો અનેકવિધ વખત સામે આવ્યા છે. કમલનાથના જણાવ્યા મુજબ આ જાહેરાત માત્રને માત્ર વિધાનસભાની આવનારી પેટાચુંટણીને નજરમાં રાખીને ન કરવામાં આવી હોય તો આ યોજના સારી રીતે ફલિત થઈ શકશે. રાજયમાં ૨૭ બેઠકોની પેટાચુંટણી યોજાવાની છે. બે ધારાસભ્યોના મૃત્યુ અને આ વર્ષે જ ૨૫ ધારાસભ્યોના રાજીનામા બાદ ૨૭ બેઠકો ખાલી પડી છે. ૨૫ માંથી ૨૨ ધારાસભ્યો કોંગ્રેસનાં બળવાખોર સિંધિયા સાથે આ વર્ષના માર્ચ માસમાં જ પક્ષ છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે શિવરાજસિંહ ચૌહાણ સરકાર દ્વારા જે સ્થાનિકોને સરકારી નોકરી આપવા માટેની જે જાહેરાત કરી છે તેને યથાયોગ્ય રીતે ચલાવવામાં આવે તેવું જણાવ્યું હતું.