કારોબારી, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ નિમાશે: અપીલના ચેરમેનપદે પ્રમુખ રહેશે
જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી બાગીજુથે સમિતિઓ પર કબજો જમાવ્યા બાદ હવે આ સમિતિઓના ચેરમેનપદ માટેની ચુંટણી આગામી ૭મીએ યોજાનાર છે. જેમાં કારોબારી, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની નિમણુક થશે. જયારે અપીલ શાખાના ચેરમેનપદે જિલ્લા પંચાયત પ્રમુખ નિમાશે.
આગામી ૭ ઓગસ્ટના રોજ જિલ્લા પંચાયતની સમિતિઓના ચેરમેનપદ માટે ચુંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયતની હોટ ફેવરીટ ગણાતી કારોબારી સમિતિના ચેરમેનપદે ચંદુભાઈ શિંગાળાનું નામ ચર્ચામાં છે. જેના વિકલ્પે ભાનુબેન તળપદા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં બાલુભાઈ વિંઝુડા, શિક્ષણ સમિતિમાં નાથાભાઈ મકવાણા, આરોગ્ય સમિતિમાં હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ અને બાંધકામ સમિતિમાં મગનભાઈ મેટાળીયા ચેરમેનપદ માટે પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતની પાંચ સમિતિ કારોબારી, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ અને સામાજિક ન્યાય સમિતિમાં ચેરમેનપદની નિમણુક કરવામાં આવશે. જયારે અપીલ સમિતિમાં હોદાની રૂએ જિલ્લા પંચાયત પ્રમુખ જ અધ્યક્ષ સ્થાને રહેશે.