જૂનાગઢ, અમરેલી જિલ્લા પંચાયત બિનહરીફ જાહેર: ૨૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી, ૧૧ બિનહરીફ
સૌરાષ્ટ્રની ૬ જિલ્લા પંચાયતો અને ૨૭ તાલુકા પંચાયતોમાં બળવાના ભય વચ્ચે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખપદે માટે ચુંટણી યોજાનાર છે. રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને ગીર-સોમનાથમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે. જયારે જુનાગઢ અને અમરેલી જિલ્લા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. આ સાથે સૌરાષ્ટ્રની ૨૭ તાલુકા પંચાયતમાં ચુંટણી યોજાશે. જયારે ૧૧ તાલુકા પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે.
રાજકોટ જિલ્લા પંચાયતની સ્થિતિ જોઈએ તો જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના અલ્પાબેન ખાટરીયાએ પ્રમુખપદ માટે ૨૬ સભ્યોના સમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયારે સામે કોંગ્રેસના જ સભ્યો ભાનુબેન ધીરૂભાઈ તળપદાએ બળવો કરીને પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી છે. જયારે ઉપપ્રમુખપદ માટે કોંગ્રેસના સુભાષભાઈ માંકડિયા અને ધ્રુપદબા જાડેજાએ ફોર્મ ભર્યું છે. મોરબીમાં પ્રમુખપદ માટે કોંગ્રેસમાંથી હાલના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા અને મુકેશભાઈ બચુભાઈ ગામીએ ફોર્મ ભર્યું છે.
જયારે ઉપપ્રમુખપદ માટે કોંગ્રેસમાંથી હસમુખભાઈ મુછડીયા અને ગુલામભાઈ પરસાણાએ ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે હેમાંગભાઈ રાવલે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ તરફથી મુકેશભાઈ ગામીને મેન્ડેટ આપવામાં આવ્યું છે ત્યારે કિશોરભાઈ ચીખલીયા મેન્ડેટ વગર દાવેદારી નોંધાવી રહ્યા છે. મોટાભાગના સભ્યો કિશોરભાઈ ચીખલીયાની સાથે હોવાથી વિદ્રોહની સ્થિતિ નિર્માણ પામી છે. કોંગ્રેસ પક્ષે પ્રમુખ તરીકે મુકેશભાઈ ગામી અને ઉપપ્રમુખપદે હસમુખભાઈ મુછડીયાને મેન્ડેટ આપ્યું છે.
જુનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સેજાભાઈ વીરાભાઈ કરમટાએ પ્રમુખ તરીકે અને ઉમાબેન પ્રવિણભાઈ ચાવડાએ ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે. જયારે અન્ય કોઈએ બંને હોદાઓ માટે દાવેદારી ન નોંધાવતા જુનાગઢ જિલ્લા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેજાભાઈ કરમટા ચા વેંચવાનો ધંધો કરે છે. જુનાગઢ જિલ્લા પંચાયતનો તાજ પ્રથમ વખત ચાનો વેપાર કરતા અને ૯ ચોપડી ભણેલા સામાન્ય માણસને શીરે જશે.
દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે અપક્ષના રાજીબેન દેવશીભાઈ કરમુરે ઉમેદવારી નોંધાવી હતી. જયારે ભાજપના સભ્ય અને કોંગ્રેસમાં ભળી ગયેલા રેખાબેન રામભાઈ બોરીયાએ કોંગ્રેસ તરફથી ફોર્મ રજુ કર્યું હતું. ઉપપ્રમુખપદ માટે અપક્ષ રમણભાઈ માડમે ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે ભાજપના રૈયાબેન ઢાયાભાઈ જાલોદરા અને કોંગ્રેસના નારણભાઈ જાદભાઈ મેરએ ઉમેદવારી નોંધાવી હતી. ઉપપ્રમુખ માટે ભાજપના બાબુભાઈ કાળાભાઈ વાઘેલાએ અને કોંગ્રેસના નાથીબેન દેવાયતભાઈ વાઢેરે ફોર્મ રજુ કર્યું હતું. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી આજે ૧૧:૦૦ કલાકે યોજાનાર છે. જિલ્લા પંચાયતની ૧૭ બેઠકોમાં ભાજપના ૧૪ સભ્યો અને કોંગ્રેસના ૧૩ સભ્યો છે. પ્રમુખપદ આદિજાતી માટે અનામત હોવાથી હાલના ઉપપ્રમુખ નિલેશભાઈ મોરી પ્રમુખપદ માટે અને ઉષાબેન સીદા ઉપપ્રમુખપદ માટે નકકી હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી જિલ્લા પંચાયતની બેઠક એસ.સી/એસ.ટી. અનામત હોવાના કારણે પ્રમુખ તરીકે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ કાનાણી બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખપદની ચુંટણી પર હાઈકોર્ટની રીટ આડે મુદત આવી ગઈ હોવાથી રાબેતા મુજબ આજરોજ ચુંટણી યોજાનાર છે.
સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોની સ્થિતિ જોઈએ તો રાજકોટમાં ચાર તાલુકા પંચાયતોની ચુંટણી યોજાશે. જયારે ૭ તાલુકા પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. જામનગરમાં બે તાલુકા પંચાયતો બિનહરીફ છે. અન્ય ચારની ચુંટણી યોજાનાર છે. જુનાગઢમાં તમામ ૯ તાલુકા પંચાયતોની ચુંટણી યોજાશે. મોરબીમાં ૩ તાલુકા પંચાયતોની ચુંટણી યોજાશે તેમજ ૨ બિનહરીફ જાહેર થઈ છે. પોરબંદરમાં ૩ તાલુકા પંચાયતોની ચુંટણી યોજાશે જયારે દ્વારકામાં ૪ તાલુકા પંચાયતોની ચુંટણી યોજાશે.
રાજકોટ જિલ્લાની ચાર તાલુકા પંચાયતોમાં આજે ચૂંટણી: ૭ બિનહરીફ
રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતો પૈકી લોધીકા, જામકંડોરણા, જેતપુર અને વિંછીયામાં આજરોજ પ્રમુખ તેમજ ઉપપ્રમુખપદ માટે ચુંટણી યોજાનાર છે. જયારે રાજકોટ, પડધરી, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, કોટડાસાંગાણી અને જસદણ તાલુકા પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. જોકે બિનહરીફ થયેલ તાલુકા પંચાયતોમાંથી અનેક તાલુકા પંચાયતોમાં બળવાની સ્થિતિ ઉદભવી હતી પરંતુ પક્ષના અગ્રણીઓએ વચ્ચે આવીને મધ્યસ્થી કરાવી બળવાને ડામી દીધો હતો.