રખેવાળ પ્રમુખ તરીકે કાશ્મીરાબેન નથવાણીની નિમણુક: ૨૮થી ૩૦ જુન સુધી સામાન્ય સભાના પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
શ્રી રાજકોટ લોહાણા મહાજનના સામાન્ય સભાના પ્રમુખની ચુંટણી આગામી ૮મી જુલાઈના રોજ ચુંટણી યોજાશે. આગામી ૨૮મી જુનના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને ૩૦મી જુન ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.
આસી.ચેરીટી કમિશનરે ૪૫ દિવસમાં રાજકોટ લોહાણા મહાજનને ચુંટણી કરી લેવાના આદેશ આપતા પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ હાઈકોર્ટના આદેશ મુજબ વર્ષ ૨૦૦૪માં પીટીઆર પર નોંધણી થયેલા હૈયાત ૧૪ કારોબારી સભ્યોને આ જવાબદારી સોંપી હતી.
ગઈકાલે મળેલી મીટીંગમાં કાશ્મીરાબેન નથવાણી, રતુભાઈ શીંગાળા, માલાબેન કુંડલીયા, જનકભાઈ કોટક, કુંદનબેન રાજાણી, જસુબેન વસાણી, પ્રદિપભાઈ જોબનપુત્રા, પ્રદિપભાઈ સચદે, ચંદુભાઈ તન્ના, ડો.દિપકભાઈ રાયચુરા, અશોકભાઈ કુંડલીયા, ભુપેન્દ્રભાઈ ખખ્ખર, વીણાબેન પાંધી, ડો.ખખ્ખર સભ્યો છે. સમયની મર્યાદા હોવાથી ઉપરોકત ૧૪ સભ્યોની અરજન્ટ મીટીંગ બોલાવી હતી.
આ ૧૪ સભ્યો પૈકી મીટીંગમાં હાજર રહેલ સભ્યોની કમીટી બનાવીને ચુંટણી પ્રક્રિયાને બહાલ રાખેલ જેમાં નવ સભ્યો કાશ્મીરાબેન નથવાણી, કુંદનબેન રાજાણી, જસુબેન વસાણી, જનકભાઈ કોટક, ચંદુભાઈ તન્ના, અશોકભાઈ કુંડલીયા, વીણાબેન પાંધી, ડો.ખખ્ખર સાહેબ, પ્રદિપભાઈ સચદે હાજર રહ્યા હતા.
આ નવ સભ્યોની બનેલી કમીટીએ ચુંટણી પ્રક્રિયા બહાલ રાખી હતી તે મુજબ તા.૨૮/૬/૨૦૧૮ના રોજ આગામી ત્રણ વર્ષ માટે સામાન્ય સભાના પ્રમુખની ચુંટણી અંગે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને બે દિવસ એટલે કે તા.૩૦/૬/૨૦૧૮ સુધીમાં ફોર્મ પાછુ ખેંચવાની તારીખ રાખી છે. કમીટીએ ચુંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો તેની શબ્દસ: નોંધ આ સાથે જોડેલ છે.
કાશ્મીરાબેનને કાર્યવાહક (રખેવાળ) પ્રમુખ તરીકે નિમણુક આપેલ છે. ચુંટણી જાહેર થતા બાકીના હોદા પર રહેલ સર્વે સભ્યો આપોઆપ ભૂતપૂર્વ થઈ ગયેલ છે. ૮મી જુલાઈના રોજ સામાન્ય સભાના પ્રમુખની ચુંટણીનો સમય સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ કલાક સુધી રહેશે. કાલાવડ રોડ પર આવેલી વિશાળ કેશરીયા મહાજન વાડીની ચુંટણીના સ્થળ તરીકે પસંદ કરેલ છે. ચુંટણી નિરીક્ષકોની યાદી ટુંક સમયમાં જાહેર થશે.
આગામી ગુરુવારથી સાંગણવા ચોક મહાજનવાડીથી ફોર્મ અને નિયમોની યાદીનું વિતરણ થશે.સામાન્ય સભા (સમસ્ત જ્ઞાતી સભા)ના પ્રમુખની પસંદગી માટે આ ચુંટણી થશે, જેમાં બંધારણમાં સુચવેલ લાયકાત મુજબ પુખ્ત ઉંમરના સ્ત્રી કે પુરુષ વ્યકિતગત ઉમેદવારી કરી શકશે, વર્તમાન પત્રોમાં આવેલ જાહેરાત મુજબની અંતિમ તારીખ સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ પછી જેટલા ફોર્મ હશે તેની ચકાસણી કરી તે બધા ઉમેદવારો સાથેનું બેલેટ પેપર તૈયાર થશે. જેના દ્વારા મતદારો મતદાન કરી શકશે.
સામાન્ય સભાનાં પ્રમુખની ચુંટણીમાં છેલ્લા એક વર્ષથી રાજકોટમાં વસવાટ કરતા હોય તેવા પુખ્ત ઉંમરના લોહાણા જ્ઞાતીનાં સ્ત્રી કે પુરુષો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. જેના માટે મતદાન મથક પર ચુંટણી પંચ દ્વારા આપેલ ઓળખપત્ર, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ સાથે રાખવું જરી છે.
તેની ખરાઈ બાદ જ મતદાન કરી શકાશે. દરેક મતદાર એક જ મત પત્રક પર એક જ ઉમેદવારને મતદાન કરી શકશે.સામાન્ય સભાના પ્રમુખને ચુંટવા માટે જે મતદાન થશે તે પ્રક્રિયાની કોર્ટના હુકમ મુજબ વિડીયોગ્રાફીને ફોટોગ્રાફી થશે ને પુરી પ્રક્રિયા ઉપર ૧૪ સભ્યોમાંથી હાજર રહેલા સભ્યો દ્વારા નિયુકત કરેલ ચુંટણી નિરીક્ષકોની ટીમ ધ્યાન રાખશે.
ચુંટણીનો સમય પુરો થયા બાદ તુરંત ત્યાંજ મત ગણતરી ચાલુ થઈ જશે. જેમાં સૌથી વધારે મત મેળવનાર ઉમેદવારને સાધારણ સભાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે. સામાન્ય સભામાં વિજેતા થયેલ પ્રમુખને ૧૪ સભ્યોમાંથી હાજર રહેલા સભ્યો દ્વારા આગામી ૩ વર્ષ માટે બંધારણ મુજબ ૧૨૫ સભ્યોની મહાજન સમિતિ રચવા આમંત્રણ આપવામાં આવશે.
ચુંટાયેલ પ્રમુખને આગામી ત્રણ વર્ષ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટની વહિવટી કામગીરી સોંપવામાં આવશે. જેમાં તેઓ બંધારણ મુજબ ૧૨૫ સભ્યોની મહાજન સમિતિ, ૨૧ સભ્યોની કારોબારી સમીતીની રચના કરશે. ચુંટણી પ્રક્રિયા સરળ રીતે પૂરી થાય તે માટે કોર્ટના આદેશ મુજબ ૧૪ સભ્યોમાંથી હાજર રહેલા સભ્યો દ્વારા ચુંટણી નિરીક્ષકોની નિમણુક કરવામાં આવશે. ચુંટણીની પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈ નિર્ણય લેવાની જરીયાત ઉભી થાય તો ચુંટણી નિરીક્ષકોને તેની વિવેક અને સમજદારી પર નિર્ણય લેવાના હકકો આપવામાં આવે છે. જે નીચે સહી કરનાર બધા સભ્યોને માન્ય રહેશે. પ્રમુખની ચુંટણીમાં મત ગણતરીમાં ટાઈ થશે તો ચીઠ્ઠી નાખી નિર્ણય લેવાશે.