બન્ને દાવેદારોએ પક્ષના આદેશને શિરોમાન્ય ગણવાનું જણાવી દીધું: ચૂંટણી પહેલા બંધ કવરમાં નવા અધ્યક્ષનું નામ આપશે
રાજકોટ ડેરીના અધ્યક્ષ નિમવા માટે આવતીકાલે 12 કલાકે ચૂંટણી યોજવામાં આવશે. દરમિયાન આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નિરિક્ષકો વચ્ચે એક બેઠક યોજાશે. જેમાં નવા ચેરમેનનું નામ ફાઇનલ કરી લેવામાં આવશે. વર્તમાન ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાને રિપીટ કરવામાં આવશે કે ગોવિંદભાઇ રાણપરિયાની વાપસી થશે. તેના પર તમામની મીટ મંડાયેલી છે.
રાજકોટ ડેરીના વર્તમાન ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ રહી હોય બીજા ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવા માટે આવતીકાલે બપોરે 12 કલાકે ચૂંટણી યોજાશે. 15 ડિરેક્ટરો પૈકી કોના શીરે ચેરમેનનો તાજ મૂકવો તેના માટે ગઇકાલે પ્રદેશ ભાજપના ત્રણ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ ડિરેક્ટરો ઉપરાંત ચેરમેન પદના દાવેદાર ગોરધનભાઇ ધામેલીયા અને ગોવિંદભાઇ રાણપરિયાએ હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તે અમને મંજૂર રહેશે તેવું જણાવી દીધું છે.
દરમિયાન આગામી 17મી એપ્રિલના રોજ રાજકોટ-લોધિકા ખરીદ વેંચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તી માટે ચૂંટણી યોજાશે.
રા.લો.સંઘના ચેરમેન પદ માટે હાલ બે દાવેદારો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.