કત્તલની રાત્રે કોંગી આગેવાનોની રણનીતિ ભેદવામાં ભાજપ નિષ્ફળ : પાલિકા પ્રમુખ પદે કે.પી.ભાગીયા ફાઇનલ થવાના અણસાર
મોરબી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવવા છતાં સતાથી જોજનો દૂર રહેલ કોંગ્રેસને અંતે ત્રણ વર્ષ બાદ સફળતા મળી રહી હોય તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે યોજાયેલ પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓની કુટનીતિ કામ કરી જાય તેમ છે અને ભાજપ પાસેથી સતા છીનવી કે.પી.ભાગીયા નવા પ્રમુખ તરીકે બેસાડવા કોંગ્રેસે દાવ રમી નાખ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકાની વર્ષ ૨૦૧૫માં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ અત્યાર સુધી પાલિકાની સ્થિતિ રાજકીય સમરાંગણ જેવી જ રહી છે. ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૫માં યોજાયેલ ચુંટણીમાં પાલિકાની ૫૨ સીટોમાંથી કોંગ્રેસે ૩૨ સીટો અને ભાજપે ૨૦ સીટો મેળવી હતી. કોંગ્રેસને પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસના અસ્મિતાબેન કોરિંગા પ્રમુખ અને ફારૂકભાઈ મોટલાણી ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ કોંગ્રેસની સતા ૬ મહિના સુધી જ ટકી હતી. કોંગ્રેસના ૧૨ સભ્યોએ બળવો કરી વિકાસ સમિતિ બનાવી ભાજપના ટેકાથી પાલિકાની સતા મેળવી હતી.
વિકાસ સમિતિના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને ઉપપ્રમુખ અરજણભાઈ કંઝારીયા બન્યા હતા. પરંતુ તા.૩૧/૫/૨૦૧૭ના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા વિકાસ સમિતિના શાસનનો અંત આવ્યો હતો. ભાજપે કોંગ્રેસના બળવાખોર સભ્યોને ટેકાથી પાલિકાની સતા હસ્તગત કરી હતી. હાલ પાલિકા પ્રમુખ તરીકે ગીતાબેન કંઝારીયા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જારીયા કાર્યરત રહ્યા હતા.
પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના કુટનીતિના તજજ્ઞોએ રાતભર મહેનત કરી ભાજપ પાસેથી સતા ખૂંચવી લેવા રણનીતિ ઘડી કાઢી હતી અને પ્રમુખ પદે પાટીદાર નેતા કે.પી. ભાગીયાને બેસાડી કોંગ્રેસે ભાજપ પાસેથી સતા છીનવી લેવા માટે તખ્તો ઘડી કાઢ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાલિકામાં અગાઉ કોંગ્રેસના ૭ સભ્યોએ બળવો કરીને પક્ષ વિરુદ્ધ પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરતા કોંગ્રેસે આ સાતેય સભ્યો સામે નામોદિષ્ટ અધિકારીને ફરીયાદ કરી હતી. જેથી નામોદિષ્ટ અધિકારીએ સાતેય સભ્યોને સસ્પેન્ડ દીધા હતા. તેથી આ સાતેય સભ્યો હાઇકોર્ટમાં અપીલ માટે ગયા હતા. આ અંગે ડેપ્યુટી કલેક્ટર એસ.જે. ખાચરે કહ્યું કે હાઇકોર્ટે આ સાતેય સભ્યોની અરજી ખારીજ કરી છે. જેથી સાતેય સભ્યો બરતરફ જ રહેછે અને આજની ચૂંટણીમાં તેઓ મતદાન કરી શકયા ન હતા જો કે છેલ્લી ઘડીએ ગઈકાલે મોડી સાંજે પુન: હાઇકોર્ટમાં મેટર દાખલ થઈ છે જેનો આજે ઉઘડતી અદાલતે ફેસલો આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ નાગરિક સમિતિ રચી સતા કબ્જે કરનાર મહેશભાઈ રાજ્યગુરુએ આજની ચૂંટણીમાં કોંગ્રેસ સતા કબ્જે કરનાર હોવાનું વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.