સ્ટેટ ફૂટબોલ એસો.ની વાર્ષિક સાધારણ સભામાં ફૂટબોલના વિકાસની રૂપરેખાની વિસ્તૃત ચર્ચા
ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન એક્ઝિક્યુટિવ કમિટીમાં મેયર ડો.પ્રદિપ ડવને મેમ્બર તરીકે સામેલ કરવામાં આવેલ છે. તાજેતરમાં અમદાવાદ ખાતે રાજ્ય ફૂટબોલ એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ડો.પ્રદિપ ડવને સ્ટેટ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકેની નવી જવાબદારી મળવા બદલ કમિટી, હોદેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરીમલભાઈ નથવાણી, પ્રદીપસિંહ વાઘેલા, અરૂણસિંહ રાજપૂત, મુલરાજસિંહ ચુડાસમા, મયંકભાઈ બૂચ, ગુણુભાઈ ડેલાવાલા, હનીફભાઈ જીનવાલા તેમજ રાજદીપ સિંહ જાડેજા, નિર્મળભાઈ સહિતના હોદેદારો ઉપસ્થિત રહેલ હતાં.
વાર્ષિક સાધારણ બેઠક અગાઉ જી.એસ.એફ.એ.ની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક પણ મળી. બન્ને બેઠકોમાં સંસ્થાના વાર્ષિક હિસાબો અને ઑડિટ રિપોર્ટ તેમજ મંત્રીનો વાર્ષિક પ્રગતિ રિપોર્ટ સર્વાનુમતે પસાર થયા. મંત્રી મૂળરાજ ચુડાસમાએ બેઠકમાં કામગીરીનો અહેવાલ રજૂ કર્યો.
જી.એસ.એફ.એ.ના ઉપ પ્રમુખો પ્રદીપસિંહ વાઘેલા, અરૂણસિંહ રાજપૂત, ગુણવંત ડેલાવાલા, હનીફ જીનવાલા તથા કોષાધ્યક્ષ મયંક બૂચ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે રાજકોટના મેયર પ્રદીપ ડવને એક્ઝિક્યૂટિવ સમિતિમાં સમ્મિલિત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતને પાયામાંથી જ ફૂટબોલમય કરવા માટેના હેતુથી 6થી 12 વર્ષનાં બાળકો માટે ગ્રાસરૂટ અને બેબી લીગ ફૂટબોલ રમત રાજ્યના બધા જિલ્લામાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્યની ટીમના ખેલાડીઓને રાજ્યની બહાર મુસાફરી ત્રીજા સામાન્ય વર્ગમાંથી એ.સી. કોચમાં કરવા દેવાનો નિર્ણય પણ થયો. વધુમાં, ગુજરાત રાષ્ટ્રીય સ્તરે યોજાતી ફૂટબોલની તમામ સ્પર્ધાઓમાં ભાગ લે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.