પરસોત્તમ સાવલિયા, વિજય કોરાટ, જીતુ સખીયા, જયેશ બોઘરા અને કેશુભાઇ નંદાણિયાનું નામ ચર્ચામાં

રાજકોટ માર્કેટ યાર્ડમાં આગામી તા.2 ડીસેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બે પદ માટે પાંચેક જેટલા નામો હાલ ચર્ચામાં છે. જેમાં પરસોત્તમ સાવલિયાનું નામ તેમજ યુવા તરીકે વિજય કોરાટ, જીતુ સખીયા, જયેશ બોઘરા અને સ્થાનિક તરીકે કેશુભાઇ નંદાણિયાનો સમાવેશ થાય છે.

રાજકોટ માર્કેટ યાર્ડની ગત પાંચમી નવેમ્બરે 14 બેઠકોની ચૂંટણી થઈ હતી. રૂપાંતર વિભાગની બે બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથે સપાટો બોલાવીને ખેડૂત વિભાગની તમામ બેઠકો પર વિજય વાવટો ફરકાવ્યો હતો. વેપારી વિભાગમાં પણ 4માંથી 3 બેઠક રાદડિયા સમર્થન પેનલને મળી હતી. રાજકોટ યાર્ડની ચૂંટણી યોજ્યાને લાંબો સમય વીતી ગયો છે. આ દરમિયાન નવા હોદ્દેદારોની ચૂંટણીની પ્રક્રિયા શક્ય બની ન હતી. દિવાળીના તહેવારો બાદ તુર્ત ચૂંટણીની ધારણા હતી. જો કે તેમાં પણ મોડું થયુ છે.

હબે માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તિરથાણીએ તા. 2 ડીસેમ્બર ગુરૂવારે સવારે 11 વાગ્યાનો સમય નકકી કર્યાનું જાણવા મળે છે.

ચૂંટણી જાહેર થતા ભાજપમાં આંતરિક રાજકીય માહોલ ગરમાવવાનો શરૂ થયો છે. ચેરમેન પદ માટે પાંચ નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જેમાં સિનિયર તરીકે પરસોત્તમ સાવલિયાનું નામ તેમજ યુવા તરીકે વિજય કોરાટ, જીતુ સખીયા, જયેશ બોઘરા અને સ્થાનિક તરીકે કેશુભાઇ નંદાણિયાનું નામ છે. ઉલ્લેખનીય છે કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આંતરિક ખેંચતાણ પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પણ આગામી 2 ડીસેમ્બરે જ જાહેર થશે કે ચેરમેન અને વાઇસ ચેરમેનની ખુરશી ઉપર કોણ બિરાજશે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.