સમરસ થનારઇ ગ્રામ પંચાયતને બે લાખની વિશેષ ગ્રાન્ટ મળશે
ઝાલાવાડમાં ગામડાઓ પણ વર્તમાન સમયે વિકાસની હરણફાળ ભરી રહયા છે. લાખો રૂપિયાની ગ્રાન્ટો મળતાં આજે ગામડાંઓ પણ સુવિધાઓથી સજ્જ થયાં છે. ત્યારે જિલ્લાના 498 ગામડામાં સરપંચની મુદત પુરી થઇ રહી છે, જેને લઇને આગામી ડિસેમ્બર મહિનામાં આ તમામ ગામડાઓમાં સરપંચની ચૂંટણી યોજાવાને કારણે ગામડાઓમાં અત્યારથી જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આમ તો સરપંચની ચૂંટણી રાજકીય પક્ષના બેનર નીચે નથી લડાતી, તેમ છતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના સમર્થનના સરપંચ ચૂંટાય તે માટે કવાયત કરતા થઇ ગયા છે.
આ ચૂંટણીઓમાં મહિલાઓને માટે 50 ટકા અનામત બેઠકો છે. જ્યારે જેતે કેટેગરીમાં પણ મહિલાઓને 50 ટકા અનામત છે. આથી મહિલાઓની બેઠકો પણ એટલીજ મહત્વની સાબિત થશે. જેથી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો અને મહિલા મતદારો પણ મહત્વનો ભાગ ભજવશે.
ગુજરાતમાં વર્ષ 2001માં સમરસ ગામયોજના જાહેર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે. આમ બિન હરીફ ચૂંટાય તેવી ગ્રામપંચાયતોને પ્રોત્સાહન આપવા રૂપિયા 1 લાખ સુધીનું અનુદાન આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. જ્યારે મહિલા સમરસ ગ્રામપંચાયતને બે ગણુ એટલે કે રૂપિયા 2 લાખ અનુદાન મળે છે. આથી ડિસેમ્બરની ચૂંટણીમાં વધુમાં વધુ ગ્રામપંચાયતો સમરસ બને તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા વાઇઝ ગ્રામપંચાયતની બેઠકો પર નજર કરીએ તો તેમાં વઢવાણ તાલુકામાં 37, લખતરમાં 42, લીંબડીમાં 48, ચૂડામાં 36, સાયલામાં 60, મૂળીમાં 49, ચોટીલામાં 68, થાનમાં 23, ધ્રાંગધ્રામાં 60 અને પાટડીમાં 75 એમ કુલ 498 બેઠકો પર ચૂંટણી યોજાશે.