‘આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા’ની કહેવત સાવ સાચી !કોગ્રેંસ પક્ષે લોકસભાની ચુંટણી માટે તેનો ચુંટણી ઢંઢેરા ઘોષિત કર્યો છે, જેમાં ‘અન્યાય સે ન્યાય કી ઔર’ નો ઇરાદો અભિવ્યકત કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ તા.૧૧મી એપ્રિલે પ્રથમ તબકકાનું મતદાન થવાનું છે.
તે પૂર્વે પાંચ ક્રાંતિલક્ષી યોજનાઓ સાથેનો ચૂંટણી ઢંઢેરા આ દેશની એક અબજ- પચીસ કરોડની જનતા સમક્ષ પેશ કર્યો છે.અત્યારે જેમને ધણે અંશે જાકારો આપીને કચરા પેટીમાં કે હાંસિયામાં ફગાવી દેવામાં આવ્યા છે એવા ભાજપના દિવંગત અને દિગ્ગજ નેતા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં મહત્વનું પ્રદાન કરી ચૂકેલા કદાવર નેતાઓ પૈકીના એક શ્રી લાલકૃષ્ણ અડવાણીએ એક સમયે એવું કહ્યું હતું કે, ‘પાર્ટીઝ ઇલેકશન મેનિફેસ્ટો ઇઝ નોટ અ બાઇબલ ?’
આનાં વિષે ચર્ચામાં ન ઉતરીએ તો પણ એટલું તો કહેવું જ ઘટે કે લોકસભાની ચૂંટણી તો સમગ્ર દેશના કાયદાઓ ઘડનાર અને રાષ્ટ્રનું ભવિષ્ય નિશ્ચિત કરવામાં અત્યંત મૂલ્યવાન ભૂમિકા ભજવનાર મહાનુભાવોને પોતાના પ્રતિનિધિઓ તરીકે પસંદ કરવાનું માઘ્યમ છે, અને આપણા બંધારણમાં સંસદ તો સર્વોપરિ છે. એ દ્રષ્ટિકોણથી નિહાળીએ તો રાજકીય પક્ષો તેમની મત મેળવવાની લાયકાત દર્શાવવા માટે અને તેનો પ્રમાણિકપણે અમલ કરવાની પ્રજાને બાંહેધરી આપવાના હેતુથી એક મહત્વનાં સાધન તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને, એટલે કે ચૂંટણી ઢંઢેરાને (ઇલેકશન મેનિફેસ્ટોને) ‘બાઇબલ’ ન ગણીએ, ને ‘બાઇબલ’ જેવી મહત્તા ન આપીએ તો તેને પ્રજાને આપેલા વચનના દ્રોહ બરાબર કે અધર્મ બરાબર ગણવું જ ઘટે !
કમનશીબે અત્યારે ચુંટણી ઢંઢેરામાં પ્રજાને અપાતાં વચનોનું પાલન કરાતું જ નથી. અયોઘ્યમાં શ્રી રામ જન્મભૂમિ – મંદીરનાં નિર્માણનું ભાજપે લગભગ બધી જ ચૂંટણીઓ વખતે આપેલું વચન આજ સુધી પાળવામાં આવ્યું નથી. દેશમાં સમાન નાગરીક ધારાના અમલનું વચન પણ પાળવામાં આવ્યું નથી. કાશ્મીરને લગતી બંધારણની વિવાદાસ્પદ કલમને નાબુદ કરવાનું પ્રજાને અપાયેલું વચન પણ હમણા સુધી પાળવામાં આવ્યું નથી.અહીં સૌથી દુ:ખદ બાબત તો એ છે કે, આઝાદીના ૭૦ થી યે વધુ વર્ષ બાદ પણ ગરીબી નાબુદીનાં અનેક વખત અપાયેલાં વચનો પાળવામાં આવ્યાં નથી, અને ગરીબાઇનું પ્રમાણ વધતું જ રહ્યું છે. આને પ્રજાદ્રોહ અને પ્રજાની બનાવટ નહિ તો શું કહેવું ?
મતદારો પાસે મત માગતી વખતે રૂડાં રૂપાળા અને લલચાવનારાં વચનો આપવાં અને ચૂંટાયા બાદ એની સરિયામ અવગણના કરવી, તથા પ્રજાના વિશ્વાસને છેહ દેવો એવું કયાં સુધી ચાલવા દેવાશે? ભોલીભલી પ્રજાને ભરમાવીને કે પ્રજાના ભોળપણનો નિજી સ્વાર્થ માટે દંભી રીતે લાભ ઉઠાવવો એ લોકશાહીને કલંકિત કરવા જેવું જ ગણાય ! જો આવી છેતરપીંડી અટકાવવાના ઉપાયો નહિ શોધાય તો લોકોનો લોકશાહીમાંથી અને સમગ્ર ચૂંટણી પ્રથામાંથી વિશ્વાસ ઉઠી જશે અને સરવાળે પ્રજાકીય વિદ્રોહની સ્થિતિ પેદા થશે! ઇતિહાસ આ વાતનો સાક્ષી છે, અને એવો બોધપાઠ પણ આપે છે કે, જયારે લાલચુ અને લંપટ નેતાઓ પ્રત્યે પ્રજા વિફરે છે ત્યારે ગમે તેવા સરમુખત્યાર સત્તાધારીને સત્તા પરથી ફગાવી દે છે અને દેશ છોડીને ઊભી પૂંછડીએ નાસી છુટવાની ફરજ પાડે છે.
આપણા દેશમાં ચૂંટણી ઢંઢેરાનો દ્રોહ કરવાની માનસિકતા જાણે કે ઘર કરી ગઇ છે. મોટાભાગના રાજકીય પક્ષો તેમણે ચુંટણી વખતે પ્રજાને આપેલાં ગુલાબી વચનોનાં પ્રમાણિકપણે પાલનની પરવા કરતા નથી, અને તેમ કરવામાં શરત અનુભવતા નથી ! જાણે પોતે કાંઇ જ ખોટું કર્યુ ન હોય તેમ વર્તે છે. આવા કોઇ કોઇ લોકો તો એવી બહાદુરી બતાવે છે કે, મતદારોને અને પ્રજાને તેમની સાથે કરવામાં આવેલી છેતરપીંડી ઝાઝો વખત યાદ રહેતી નથી. નવી નવી લાલચો અને નવાં નવાં વચનોથી એ ભરમાઇ જાય છે. છેલ્લી બધી જ ચુંટણીઓમાં એ ભોળવાતી જ રહી છે. પ્રજાને ભરમાવવાની આવડત વડે રાજનેતાઓ મતદારોનાં મતો છીનવી લે છે અને તેને પોતાની ભાષણખોરીની જીત ગણાવે છે. કોઇ કોઇ રાજનેતાઓ તો મતદારોને ‘બુઘ્ધ’ કહીને અટ્ટહાસ્ય કરે છે !
રાજકીય પક્ષો ઘણે ભાગે ‘આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા’ ની જૂની કહેવતને પોતાનાં બેહુદા વર્તન દ્વારા સાચી પાડે છે.અત્યારે આપણા દેશની સામે ગંભીર પડકારોની જે હારમાળા છે તે માટે આપણા મોટાભાગના રાજકારણીઓની હલકાઇ કારણભૂત છે એમ કહ્યા વિના છૂટકો નથી ! તેઓ માતૃભૂમિને તૃચ્છ ગણતા રહ્યા છે.જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મોંધેરા છે એ મંત્રની તેમણે નેવે મૂકયો છે જયાં સુધી આ પરિસ્થિતિ નહિ બદલે ત્યાં સુધી અને ચૂંટણીઓમાં પવિત્રતા નહિ જળવાય ત્યાં સુધી પડકારોને પહોંચી વળવાનું શકય નહિ બને !