પહેલી વખત ઘરેથી મતદાનની સુવિધા મળશે, મતદાનનો સમય એક કલાક વધારી દેવાશે ??

અબતક, નવી દિલ્હી

યુપી વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે ત્યારે યુપીની મુલાકાતે આવેલી ચૂંટણી પંચની ટીમે આજે મીડિયાને માહિતી આપતા કહ્યુ હતુ કે, તમામ રાજકીય પક્ષો નિયત સમયે જ ચૂંટણી યોજાય તેવુ ઈચ્છી રહ્યા છે.જોકે કેટલીક પાર્ટીઓ રેલી કરવાના વિરોધમાં છે. ચૂંટણી પંચના સભ્યોએ કહ્યુ હતુ કે, ઘણી પાર્ટીઓએ રેલીઓની સંખ્યા મર્યાદિત રાખવા સૂચન કર્યુ છે તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મતદાન મથકો નહીં રાખવા માટે પણ આપ્યુ છે.મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનુ પાલન કરવામાં આવશે.યુપીમાં 15 કરોડ મતદાતા છે અને તેમાંના 52 ટકા નવા વોટર છે. ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, પહેલી વખત ચૂંટણીમાં ઘરેથી વોટ આપવાની સુવિધા 80 વર્ષથી વધારે વય ધરાવતા નાગરિકોને, દિવ્યાંગોને અથવા તો કોરોના સંક્રમિત લોકોને આપવામાં આવશે.જો તેઓ મતદાન મથક સુધી ના જવા માંગતા હોય તો ચૂંટણી પંચની ટીમ તેમને ઘરે જઈને મત આપવાની સુવિધા આપશે.આ પ્રક્રિયા પારદર્શી રહેશે. ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, કોરોનાની લહેરને જોઈને વેક્સીનેશન વધારવા માટે પણ કહેવામાં આવ્યુ છે.રાજ્યમાં 86 ટકા લોકોને પહેલો ડોઝ અને 49 ટકા લોકોને બીજો ડોઝ લાગી ચુકયો છે.

બાકીના જે લોકો છે તેમને પંદર થી વીસ દિવસમાં ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવશે.સાથે સાથે કોરોનાને જોતા મતદાન માટેના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે ચૂંટણી માટે કામ કરી રહેલા કર્મચારીઓને જરુર પડી તો બૂસ્ટર ડોઝ પણ લગાવવામાં આવશે.

વાઇબ્રન્ટ હૈ તો મુમકીન હૈ!!! કોરોના વચ્ચે પણ સરકાર વાઇબ્રન્ટ યોજવા મક્કમ

નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે પાટનગર ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2022 યોજવા માટે ધમધમાટ શરૂ થયો છે. કોરોનાના કેસો વધે તો ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ઉજવવા મક્કમ છે.એટલું જ નહીં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનારાં વિદેશી ડેલિગેટ અને આમંત્રિતોને સાત દિવસ સુધી કવોરન્ટાઇનમાં રહેવુ નહી પડે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા ઘડવા નક્કી કરાયું છે જેમાં આ છૂટછાટ આપવામાં આવશે. સામાન્ય લોકોને નિયમો પાળવા પડશે પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારાં મહેમાનો માટે નિયમો કદાચ લાગુ નહી પડે. એક બાજુ, ગુજરાતમાં રોજ કોરોનાના 550 કેસો નોંધાઇ રહ્યાં છે ત્યારે બીજી બાજુ,મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઇ છે.ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ ત્રીજી લહેર આવશે તેવું નિવેદન કરીને ચિંતા વ્યક્ત કરી છે અને ગુજરાત સરકારે હોસ્પિટલોમાં બેડથી માંડીને દવા સહિત જરૂરી વ્યવસ્થા કરી  હોવાનો દાવો કર્યો છે.આ તરફ, રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આમ છતાંય સરકાર દાવો કરી રહી છેકે, 20 થી વધુ દેશોના 400 થી વધુ ડેલિગેટો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે. હવે ખુદ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છેકે, વિદેશથી આવનારાને સાત દિવસ સુધી કવોરન્ટાઇનમાં રહેવુ પડે. હવે જો વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી ડેલિગેટો આવશે તો તેમને આ નિયમનું પાલન કરવુ પડશે જે શક્ય નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.