મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી  ૨૦૨૦ ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મોરબી જે.બી. પટેલ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ નોડેલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. આ તમામ અધિકારીઓને પણ ઇવીએમ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે અને ઇવીએમની કામગીરીથી અવગત કરવા માટે ઈવીએમ હેન્સ ઓન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોમવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ તાલીમમાં માસ્ટર ટ્રેઇનર સુનીલભાઇ અઘારા દ્વારા ઇવીએમ હેન્સ ઓન અંગેની તાલીમ આપી હતી. આ તાલીમ દરમિયાન ઉપસ્થિત નોડેલ અધિકારીઓને ઇવીએમના વિવિધ ભાગો, કાર્ય પદ્ધતિ, ઓપરેટીંગ સિસ્ટમ, કનેક્શન વગેરે બાબતોથી અવગત કરવામાં આવ્યા હતા. માસ્ટર ટ્રેઇનર દ્વારા અપાયેલ ટ્રેઇનીંગમાં નોડેલ અધિકારીઓએ જાતે જ ઇવીએમ હાથમાં લઇને મશીનની ઓપરેટીંગ સિસ્ટમની સમજણ મેળવી હતી. ઇવીએમના કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપેટ સહિતના વિભાગોની જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા હેન્સ ઓન તાલીમને નોડેલ અધિકારીઓ માટે મહત્વની હોવાનું જણાવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ દ્વારા ઇવીએમ અંગે સ્લાઇડ શોના માધ્યમથી સૌ તાલીમાર્થી અધિકારીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ડી.આર.ડી.એ. નિયામક ડી.ડી. જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, એઆરટીઓ જે.કે. કાપટેલ, જિલ્લા માહિતી અધિકારી ઘનશ્યામ પેડવા, એલ.ઇ. કોલેજના વ્યાખ્યાતા એસ.પી. જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, સમાજ કલ્યાણ અધિકારી આર.આર. શાહ, ભુસ્તરશાસ્ત્રી યુ.કે. સિંહ, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, મદદનીશ શ્રમઆયુક્ત ડી.જે. મહેતા સહિતના નોડેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હેન્સ ઓન ઇવીએમ અંગેની તાલીમ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.