મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઇ ઘવા સહિતના 14 જનપ્રતિનિધિઓ બોર્ડ બેઠકમાં ન આવ્યા
ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય સભ્યો હાજરી પત્રકમાં સહી કરે તે પૂર્વે જ બોર્ડ સમેટાઇ ગયું: તમામ પાંચ દરખાસ્તો રખાય પેન્ડિંગ
લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાના 11 દિવસ બાદ પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને હજુ ચૂંટણીમાં કરેલી ભાગદોડનો થાક ઉતરતો ન હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં 14 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જે પૈકી 10 કોર્પોરેટરોએ રજા-રિપોર્ટ મુક્યા હતા. જ્યારે ચાર કોર્પોરેટરોની ગેરહાજરી પૂરાઇ હતી. આચાર સંહિતા અમલમાં હોવાના કારણે એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવ્યો ન હતો. તમામ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. હાજર સભ્યો હાજરી પત્રકમાં સહી કરી હાજરી પૂરાવે તે પૂર્વે તો બોર્ડ-બેઠકનો સંકેલો થઇ ગયો હતો.
બીપીએમસી એક્ટ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવી ફરજિયાત છે. આ નિયમના પાલન માટે આજે સવારે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને બોર્ડ-બેઠક મળી હતી. જે ગણતરીની મિનિટોમાં પૂરી થઇ ગઇ હતી. કારણ કે હાલ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડમાં પ્રશ્ર્નોત્તરી કાળનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત તમામ પાંચેય દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. વંદે માતરમ્ના ગાન બાદ ગત બોર્ડ બેઠકમાં થયેલી કામગીરીનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અધ્યક્ષસ્થાને એવી ઘોષણા કરવામાં આવી હતી કે આચાર સંહિતાના કારણે તમામ પાંચેય દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી રહી છે. ત્યારબાદ બોર્ડના સમાપન માટે વધુ એકવાર વંદે માતરમ્નું ગાન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચુંટણીમાં પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ કરેલી ભાગદોડનો થાક હજુ તેઓને ઉતર્યો ન હોય તેવું લાગી રહ્યું છે. આજે બોર્ડ-બેઠકમાં 72 પૈકી 14 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કુસુમબેન ટેકવાણી, બિપીનભાઇ બેરા, કેતનભાઇ પટેલ, ભારતીબેન પાડલીયા, અનિતાબેન ગૌસ્વામી, ઉપરાંત અપક્ષ કોર્પોરેટર એવા વજીબેન ગોલતર અને દેવુબેન જાદવે રજા-રિપોર્ટ મૂક્યા હતા. જ્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને મકબૂલભાઇ દાઉદાણી બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. જનરલ બોર્ડમાં કુલ પાંચ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ટીપી સ્કિમ નં.3 (નાના મવા) અંતિમ ખંડ નં.4 પૈકીની વાણિજ્ય વેંચાણ હેતુ માટેના પ્લોટની ફાળવણી રદ્ કરવા, કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ ઉપર સિધી ભરતી અને બઢતીથી નિયુક્ત થયેલા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદ્ભવેલી વિસંગતતાઓ દૂર કરવા, માર્કેટ શાખામાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિ કરાયેલી 9 જગ્યાઓનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા, વોર્ડ નં.12માં વાવડીને લાગૂ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા અને કોર્પોરેશનની હદમાં કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં રેનબસેરા માટે જમીન ફાળવણી કરવા સહિતની તમામ પાંચેય દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
ભાજપે સસ્પેન્ડ કરેલા બંને કોર્પોરેટરો બોર્ડમાં ન દેખાયા
આવાસ કૌભાંડમાં આબરૂં ધુળધાણી થયા બાદ વજીબેન ગોલતર અને દેવુબેન જાદવે મુક્યા રજા-રિપોર્ટ
ભાજપના પ્રતિક પરથી કોર્પોરેશનની ચૂંટણી લડી નગરસેવિકા બનેલા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરના પતિદેવોએ આવાસ કૌભાંડ આચર્યું હતું. જેના પગલે લોકસભાની ચૂંટણી પહેલા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા આ બંને નગરસેવિકાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કૌભાંડથી કાળુ મોંઢુ થયા બાદ શરમના માર્યા આ બંને કોર્પોરેટરો આજે જનરલ બોર્ડની બેઠકમાં આવ્યા ન હતા. તેઓએ રજા રિપોર્ટ મૂકી દીધા હતા. દરમિયાન સેક્રેટરી શાખા દ્વારા પણ હવે તેઓને અપક્ષ સભ્ય ગણવામાં આવી રહ્યા છે. જો કે, લોકસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર દરમિયાન આ બંને નગરસેવિકાઓ અને તેઓના કૌભાંડી પતિદેવ નજરે પડતા હતા.
સાગઠીયા અને ભારાઇની લાંબા સમય બાદ બોર્ડમાં એન્ટ્રી
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો સાથ છોડી કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં સામેલ થનાર વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. દરમિયાન તેઓએ ફરી ઘરવાપસી કરતા કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ અરજી પરત ખેંચી લેતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેઓનું ડિસ્કોલીફેકશન રદ્ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ આ બંનેને કોર્પોરેટર પદે યથાવત ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે લાંબા સમય બાદ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇની એન્ટ્રી થવા પામી હતી. જો કે, બોર્ડમાં કોંગ્રેસના નગરસેવકોની સંખ્યા તો માત્ર બે જ રહી હતી. કારણ કે ભાનુબેન સોરાણી અને મકબૂલ દાઉદાણી આજે બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા.
બીજી તરફ ભાજપે બે નગરસેવિકાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી હતી. તેઓ પણ આજે ગેરહાજર રહેતા તેઓને અપક્ષ સભ્ય ગણવામાં આવ્યા હતા.