૬ મહાપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીઓ માટે ચૂંટણી પંચ દ્વારા ઘડાતું આયોજન
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો નક્કી કરશે!!
વિધાનસભાની ૮ બેઠકોની પેટાચુંટણી પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે.
હાલ ચુંટણીપંચ દ્વારા તૈયારીઓ અંગેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.
તહેવારો પૂર્ણ થયા બાદ ચુંટણીપંચ સ્થાનિક સ્વરાજયની ચુંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં નવેમ્બર માસમાં ૬ મહાનગરપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હતી પરંતુ કોરોનાનું સંક્રમણ નડતરરૂપ બનતા રાજય ચુંટણીપંચે તૈયારીઓ શરૂ કરી હોવા છતાં પણ ચુંટણીને મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો અને ચુંટણીને ત્રણ મહિના પાછળ ઠેલવવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ વિધાનસભાની પેટાચુંટણી જાહેર થયા બાદ આઠ બેઠકો માટે ગત તા.૩ નવેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી જેનું પરીણામ ૧૦ નવેમ્બરના રોજ જાહેર થનાર છે હવે ચુંટણીપંચે સ્થાનિક સ્વરાજયની ચુંટણીની તૈયારીઓનું આયોજન ઘડી કાઢયું છે.
હાલ દિવાળીના તહેવારોને વેઠે ગણ્યા દિવસો બાકી રહ્યા છે. તહેવાર પત્યા બાદ તુરંત જ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ૧૦ નવેમ્બરના રોજ વિધાનસભાની ૮ બેઠકોની પેટાચુંટણીનું પરિણામ જાહેર થનાર છે.
આ પરિણામ સ્થાનિક સ્વરાજયની ચુંટણીની તારીખો નકકી કરનાર છે.
કયાં પક્ષને કેટલી બેઠક મળે છે તે પ્રમાણે ચુંટણીની તારીખો જાહેર થાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
જાન્યુઆરીના માસાંતે અથવા ફેબ્રુઆરીના મધ્યમાં ચૂંટણી યોજાય તેવી શકયતા
નવેમ્બરમાં કોરોનાનું સંક્રમણ નડતરરૂપ બનતા સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજવાનું પડતુ મુકાયું હતું. ચુંટણીપંચે આ ચુંટણી ત્રણેક મહિના પાછળ ઠેલવવામાં આવી હોવાનું તે સમયે જણાવ્યું હતું જયારે બીજી તરફ હવે કોરોનાનું સંક્રમણ પણ નોંધપાત્ર રીતે ઘટી રહ્યું હોય જાન્યુઆરીના માસાંતે અથવા ફેબ્રુઆરીના મધ્યમાં જ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ યોજાઈ તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.
રાજ્યની છ મહાપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિમણુંક
ચુંટણીપંચ દ્વારા રાજયની ૬ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરતમાં ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીઓના ઓર્ડર કર્યા છે જેમાં રાજકોટની વિગત જોઈએ તો વોર્ડ નં.૧ થી ૩ના ચુંટણી અધિકારી તરીકે સ્ટેમ્પ ડયુટી, નાયબ કલેકટર અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ-૧, વોર્ડ નં.૪ થી ૬માં ચુંટણી અધિકારી તરીકે નાયબ નિયામક જમીન દફતર, મદદનીશ ચુંટણી અધિકારી તરીકે સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ-૨, વોર્ડ નં.૭ થી ૯નાં ચુંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે પશ્ર્ચિમ મામલતદાર, વોર્ડ નં.૧૦ થી ૧૨ના ચુંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટાર-સહકારી મંડળીઓ અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ-૩, વોર્ડ નં.૧૩ થી ૧૫ના ચુંટણી અધિકારી તરીકે સીટી-૧ પ્રાંત અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે દક્ષિણ મામલતદાર જયારે વોર્ડ નં.૧૬ થી ૧૮માં ચુંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર-પ્રાદેશિક કમિશનર અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે પૂર્વ મામલતદારને નિયુકત કરવામાં આવ્યા છે.