ચુંટણી પૂર્વે અને મતદાનના દિવસે રાખવાની તકેદારી અંગે ઝીણવટ ભર્યુ માર્ગદર્શન આપતી બેઠક યોજાઇ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા. ૨૧ મી જુલાઇ ૨૦૧૯ના રોજ યોજાવાની છે.રાજ્ય ચૂંટણી આયોગ ની માર્ગદર્શિકા અનુસાર કલેક્ટર કચેરી જૂનાગઢ અને જૂનાગઢ મહાનગરપાલિકાના તેમજ સંબંધિત વિભાગના ચૂંટણી સંબંધી વ્યવસ્થામાં રોકાયેલા અધિકારીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે .ચૂંટણીની થઈ રહેલી તૈયારીઓ માટે માર્ગદર્શન આપવા માટે રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશી તેમજ સંયુક્ત સચિવ રામાનુજ સહિતના અધિકારીઓએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. તેઓએ બપોરે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં સૌપ્રથમ અધિક કલેક્ટર અને ચૂંટણી વ્યવસ્થા નોડલ અધિકારી ડી.કે બારીઆએ જુનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ રચના, મતદારો, બેઠકો, અનામત બેઠકો, જરૂરિયાતો તેમજ અન્ય વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
જુનાગઢ રેન્જના આઇજી સુભાષ ત્રિવેદીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટીમ વર્કથી કામ કરવામાં આવશે અને મતદારો ભય મુક્ત થઈને મતદાન કરે અને યોગ્ય કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોષીએ પાછલા અનુભવોના સંદર્ભમાં સમજણ આપી વધુમાં કહ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થાઓમાં મતદાન પૂર્વે મતદાન દરમિયાનની કામગીરી તેમજ મતદાન જાગૃતિ કામગીરી અગત્યની છે અને ચૂંટણી અધિકારી તરીકે તેમજ ચૂંટણી વ્યવસ્થામાં રોકાયેલા ઓફિસર સહિતના અધિકારીઓને આપવાની થતી તાલીમ અને જરૂરી બાબતોથી તે અગાઉથી જ વાકેફ થઇ જાય તે અંગે કઈ તકેદારી રાખવી જોઈએ તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
સંયુક્ત સચિવ શ્રી રામાનુજે ગઈ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં ૫૪ ટકા મતદાન થયુ હતુ અને આગામી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે દિશામાં પણ સ્વેપની કામગીરી આગળ ધપાવવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે અધિકારીઓને આ વખતની ચૂંટણીમાં મતદારોને મતદાન અંગે જાગૃત કરવા તે અંગે ધ્યાન દોરી મતદારોને પણ મતદાન પૂર્વે મતદાન કરવાની સમજ અને બધી જ બાબતોથી તે વાકેફ થઇ જાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કલેકટર ડો. સૌરભ પારધી, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, માંગરોળ એ.એસ.પી, સ્વેપ કામગીરીના નોડલ અધિકારી રેખાબા સરવૈયા તેમજ પ્રાંત અધિકારી તુષાર જોષી, જીજ્ઞાબેન દલાલ, જવલંત રાવલ , ડેપ્યુટી કમિશનર નંદાણીયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.