આગામી લોકસભા ચુંટણી પુર્વે કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીન અંગે પ્રજામાં ફેલાઈ રહેલી જુદી-જુદી અફવાઓનું ખંડન કરી લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને અશિક્ષિત મતદારોને વીવીપેટ મશીનમાં કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું જણાવી ચોકકસ પક્ષને જ મત આપવા દબાણ કરાતું હોવાનું બહાર આવતા આ મામલે ચુંટણી કમિશન દ્વારા લોકોને આવી કોઈપણ ગેરમાન્યતામાં ન આવવા આહવાન કર્યું હતું.
મુખ્ય ચુંટણી અધિકારી ઓ.પી.રાવતે જણાવ્યું હતું કે, મતદારોને જાગૃત કરવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં ઈવીએમ અને વીવીપેટ મશીનને લઈ જન સામાન્યમાં ફેલાયેલી ગેર સમજો દુર કરવા પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અશિક્ષિત અને ગ્રામીણ વિસ્તારોમાં મતદારોને રોકડ રકમની લાલચ આપી ચોકકસ પક્ષને મત આપવા માટે દબાણ લાવવામાં આવે છે અને પક્ષો દ્વારા જો તમે નાણા લઈ અન્ય ઉમેદવારને મત આપશો તો વીવીપેટ મશીનમાં ગોઠવવામાં આવેલા કેમેરામાં તમારો ફોટો આવી જશે આવું કહેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
જોકે ચુંટણીપંચે મતદારોને જાગૃત કરવા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મતદારોએ કોઈપણ ભ્રામક લાલચ કે લોભમાં આવ્યા વગર મતદાન કરવું જોઈએ. આ ઉપરાંત ઈવીએમ કે વીવીપેટ મશીનમાં કેમેરા જેવા સાધનો ગોઠવાયા હોવાનો છેદ ઉડાવતા જણાવ્યું હતું કે, વીવીપેટ મશીન મતદારે જે ઉમેદવારને મતદાન કર્યું છે તેની જાણકારી આપતું મશીન છે તેમાં કોઈ એવા સાધનો ગોઠવાયા નથી કે જેથી મતદારોના ફોટા પડી શકે.
વધુમાં ચુંટણીપંચ દ્વારા આગામી લોકસભા ચુંટણી પૂર્વે દરેક લોકસભા મતક્ષેત્રમાં મતદાર જાગૃતિ ઝુંબેશ સઘન રીતે ચલાવવામાં આવશે અને છેવાડાના વિસ્તાર સુધી દરેક મતદારને ઈવીએમ અને વીવીપેટ મશીનની સંપૂર્ણ માહિતી મળે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું.
દરમિયાન ઈવીએમ હેક કરવા મામલે પણ ચુંટણીપંચે સ્પષ્ટતા કરી આગામી ચુંટણીઓમાં વીવીપેટ અને ઈવીએમનું પરીણામનું મેળવણુ કરવાની પ્રક્રિયામાં પણ વધારો કરવામાં આવશે. જેથી કરીને મતદારોને ઈલેકટ્રોનિક વોટીંગ મશીન પરત્વે કોઈ શંકા નહીં રહે.