વિદેશીઓ ચૂંટણી પ્રક્રિયામાં પણ મજા લ્યે છે !
ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે લોકશાહીના મહાપર્વ ઉપર વિશ્ર્વભરની નજર રહેલી છે અને સૌથી વધુ વસ્તીમાં બીજા નંબરે અને વિકાસમાં પણ વેગવંતા એવા ભારતમાં જયારે વડાપ્રધાન પદ નકકી થનાર છે ત્યારે વિશ્વભરના લોકો આતુરતાપૂર્વક આ પર્વની વાટ જોઈ રહ્યાં છે. ત્યારે ચૂંટણીપંચ વિદેશી પ્રવાસન વધારના‚ કારણ બની શકે છે.
રાજનૈતિક રેલીઓ, સભાઓ તેમજ ચૂંટણીને લઈ કેટલાક ટુર ઓપરેટરો ખાસ પેકેજીસ, વિદેશી સહેલાણીઓ માટે આપી રહ્યાં છે. ગુજરાતમાં થનાર ચૂંટણી અંગે રાજયની ટ્રાવેલ એજન્સીઓ દ્વારા વિદેશી મહેમાનો માટે ખાસ ટ્રાવેલ પેકેજીસ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ૨૦૧૪ લોકસભાની ચૂંટણી જયારે ગુજરાતમાં યોજાઈ હતી તે સમયે વિશ્ર્વના ૧૮૦૦થી પણ વધુ ટૂરીસ્ટોએ ગુજરાતની મુલાકાત ચૂંટણીપર્વને માણવા માટે લીધી હતી. ત્યારે આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ખરાખરીની જંગમાં બાજી કોણ મારશે તેને લઈ લોકોમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને આ વર્ષે ૨૫૦૦થી પણ વધુ વિદેશી સહેલાણીઓ ગુજરાત પ્રવાસે ચૂંટણી નિહાળવા આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન ગ્લોબલી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, રિસચર્સ, મીડિયાના નિષ્ણાંતો, રાજનૈતિક નિષ્ણાંતોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. વૈશ્ર્વિક ધોરણે ગુજરાત ઉપરાંત પણ અનેક દેશોમાં ગુજરાતીઓ વસવાટ કરે છે તેમને પણ પોતાના રાજય અંગે રાજનૈતિક ગતિવિધિઓની માહિતી મળી રહે તે માટે વિશ્વભરના મીડિયાની નજર ગુજરાત પર રહેશે. ચૂંટણી દરમિયાન થતી જાહેરસભાઓ, બાઈક રેલી અને રાજનૈતિક કાર્યક્રમો પહેલેથી જ માહિતી અને ચૂંટણી પ્રવાહો નિર્ધારણનું માધ્યમ રહ્યાં છે ત્યારે રાજયના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓ ૬ દિવસ ભારત પર્યટન માટે ૪૦ હજારથી લઈ ૧.૫ લાખ સુધીના પેકેજીસ આપી રહ્યાં છે.