રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા સાથે ‘અબતક’ની ‘ચાય પે ચર્ચા’
રાજકારણીઓ અર્થકારણના નિષ્ણાંત નથી, અર્થશાસ્ત્રીઓનું માર્ગદર્શન જરૂરી
ચૂંટણી જીતવા ‘મફ્ત’ની જાહેરાતો કરવાથી દેશનું અર્થતંત્ર પડી ભાંગશે
આગામી બજેટમાં રાજકોટ-સૌરાષ્ટ્રને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઇમીટેશન પાર્ક, ટોય પાર્કની જાહેરાત થવી જરૂરી
ચૂંટણી જીતવા રાજકીય પક્ષો અર્થતંત્રનો કચ્ચરઘાણ કાઢી નાખે એવી લોભામણી અને ‘મફ્ત’નું કલ્ચર વ્યાપે એવી જાહેરાતો કરતાં હોય છે. 5 રાજ્યોની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે મફ્ત વિજળી, 1500 રૂપિયા પેન્શન જેવી જાહેરાતો કરીને પ્રજાને પાંગળી બનાવવા પ્રયાસ કર્યો છે. ભૂતકાળ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં આવી જાહેરાતો કરી ચૂંટણી પણ જીતી લીધી ત્યારે ભારતમાં જ રાજકીય અગ્રણીઓ અર્થતંત્રને છિન્નભિન્ન કરતી જાહેરાતો કેમ કરે છે એ સવાલ છે. વિદેશોમાં રાજકીય નેતાઓ નહીં પણ અર્થશાસ્ત્રીઓ જ આર્થિક બાબતોની જાહેરાતો કરે છે !
આગામી તા.1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારામન બજેટ રજૂ કરવાના છે ત્યારે ‘અબતકે’ પોતાના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરાને આમંત્રિત કરી દેશનું અર્થતંત્ર, રાજકારણીઓની મનફાવે તેવી જાહેરાતો અંગે દીર્ઘ ચર્ચા કરી હતી જેનું સંકલન અત્રે પ્રસ્તુત કરાયું છે.
પ્રશ્ન : રાજકારણીઓ ચૂંટણી જીતવા ‘મફ્ત’ની લ્હાણી કરતી જાહેરાતો કરી છે, અર્થતંત્રને તે કેટલું નુકશાનકારક ? શું તીજોરી તેમની અંગત જાગીર છે?
જવાબ : કોઇપણ પક્ષ અર્થતંત્રને નુકશાન પહોંચે એવી લોભામણી જાહેરાતો કરે તે જોખમી ગણાય. અર્થતંત્રને અસર થાય એવી જાહેરાતોથી ચૂંટણી જીતવી અયોગ્ય છે. રાજકીય પક્ષોએ વેપાર-ઉદ્યોગ અને આમ પ્રજાને ઉપયોગી થાય અને અર્થતંત્રને હાની ન પહોંચે એવી જાહેરાતો કરવી જોઇએ. અર્થતંત્રને નુકશાન કરતી જાહેરાતો કરનારા રાજકીય પક્ષોને પ્રતિબંધિત કરવા જોઇએ.
પ્રશ્ન : રાજકારણીઓ અર્થતંત્રના નિષ્ણાંત છે? તેમની ગેરવ્યાજબી જાહેરાતોથી દેશને કેટલું નુકશાન થાય?
જવાબ : નેતાઓ પ્રજાના પ્રતિનિધી છે. જ્યાં સુધી ચૂંટણી લડતા હોય ત્યાં સુધી તેઓ પક્ષના પ્રતિનિધી ગણાય પણ જીત્યા પછી તેઓએ પક્ષને બદલે પ્રજાને મહત્વ આપવું પડે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે પક્ષ કરતાં પ્રજાહિત જોવું જરૂરી છે. તેમની આ વાત સાથે નેતાઓએ સહમત થઇ વર્તવું જોઇએ. વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ પણ આર્થિક બાબતને લગતી જાહેરાત કરવી હોય તો અર્થશાસ્ત્રીઓનો મત લઇને પછી જ આગળ વધવું જોઇએ. ચૂંટણી જીતવા કે પ્રસિદ્વી માટે અર્થતંત્રને ખાડામાં નાખી શકાય નહીં. ચૂંટણીપંચે પણ ક્ધટ્રોલ કરવાની જરૂર છે.
પ્રશ્ન : વિકાસની વાતો કરવાને બદલે પ્રજાને ‘પોલીયોગ્રસ્ત’ કરતી ‘મફ્ત’ની જાહેરાતોથી વિકાસ થશે?
જવાબ : દેશ અત્યારે વિકાસ સાધી રહ્યો છે ત્યારે કોઇ રાજકીય પક્ષ ગમે તેવા ચૂંટણી ઢંઢેરા જાહેર કરીને દેશના અર્થતંત્રને ડામાડોળ કરી નાખે તે ન ચાલે. હવે એવા દિવસો આવી ગયા છે કે રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરા ચૂંટણીપંચે મંગાવી તેને એપ્રૂવલ મળે પછી જ જાહેરાત કરી શકાય એવા નિયમ બનાવવા પડશે. લોકશાહીમાં પ્રજા જાગૃત થાય એ જરૂરી છે. ચૂંટણી ઢંઢેરાને જરૂર પડ્યે અદાલતમાં પડકારવા જોઇએ.
પ્રશ્ન : વિદેશોમાં અર્થતંત્રને લગતી જાહેરાતો રાજકારણીઓ નહીં પણ અર્થશાસ્ત્રીઓ કરે છે જ્યારે ભારતમાં નેતાઓ પોતાના સ્વાર્થ માટે આવી જાહેરાતો કરે છે જે કેટલું વ્યાજબી?
જવાબ : ભારતમાં અર્થશાસ્ત્રીઓની વાત માનવામાં આવતી નથી એટલે કે અર્થશાસ્ત્રીઓ રાજનેતાઓને સલાહ આપતા નથી. સાચી રીત એ છે કે અર્થશાસ્ત્રી પાસેથી અર્થકારણ જાણીને રાજનેતાઓએ પોતાના ચૂંટણી ઢંઢેરા અને જાહેરાતો કરવી જોઇએ. દેશની ઇકોનોમી સુધરે એવા પગલાં લેવા જરૂરી છે. દેશને આર્થિક રીતે મજબૂતી મળે એ દિશામાં વિચારણાં થવી જોઇએ. વિદેશો કરતાં ભારત પાછળ હોવાના આવા ઘણા કારણો છે.
પ્રશ્ન : આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે આગામી બજેટ કેવું હોવું જોઇએ?
જવાબ : બે વર્ષથી કોરોનાકાળમાં ફસાયેલી પ્રજાને રાહત મળે, વેપારી અને ઉદ્યોગકારોને લાભ થાય, એમ.એસ.એમ.ઇ.ને બુસ્ટ મળે, જીએસટીની વિસંગતતા દૂર થાય એવી જાહેરાતો બજેટમાં હોય એ જરૂરી છે. ભૂતકાળમાં નાણાંમંત્રી વેપારી-ઉદ્યોગકારોને બોલાવીને તેમની સાથે બેઠકો કરતાં તેમના પ્રશ્ર્નો સાંભળતા અને એ રીતની બજેટમાં જોગવાઇઓ કરતાં પણ હવે એ બધું બંધ થઇ ગયું છે.
પ્રશ્ન : આગામી બજેટમાં રાજકોટ-સૌરાષ્ટ્ર માટે શું અપેક્ષા છે?
જવાબ : સૌરાષ્ટ્રને કાયમ અન્યાય થતો રહે છે તેવી લાગણી છે ત્યારે હવે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઇમીટેશન પાર્ક, ટોય પાર્ક મળે એવી અમારી માંગણી છે. વળી જીએસટીમાં સરલીકરણ થાય, ઇન્કમટેક્સની સમસ્યાઓ દૂર થાય એ જરૂરી છે.
પ્રશ્ન : વેપારી-ઉદ્યોગકારોને અન્યાય થાય ત્યારે મહાજન સંસ્થાઓની ભૂમિકા શું?
જવાબ : અમે ઇમીટેશન પાર્ક સહિત ઘણી બધી બાબતે રજૂઆતો કરી છે જો તેની નિરાકરણ નહીં આવે તો લડત આપીશું. જીએસટીની વિસંગતતા મુદ્ે પણ અમારી રજૂઆત છે તેનું પણ સમાધાન મળવું જોઇએ.
પ્રશ્ન : સરકારમાં રજૂઆત માટે મહાજન સંસ્થાઓ નબળી પડે છે?
જવાબ : ચેમ્બર ઓફ કોમર્સ વેપારીના દરેક પ્રશ્ર્ને સરકારમાં રજૂઆતો કરે છે. ગ્રેટર ચેમ્બર રજૂઆતો ઉપરાંત જરૂર પડ્યે સરકારને અદાલતમાં ઢસડી જવા પણ તૈયાર હોય છે. મહાજન સંસ્થાઓ સરકારની ભાષા બોલવાને બદલે વેપારી-ઉદ્યોગકારોની ભાષા બોલે છે.