જામનગરમાં જેએમસીની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે આવનારી તા.૨૧ના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે જીતવા માટેની તમામ તૈયારીઓ આદરી દીધી છે. આગામી પાંચ વર્ષ માટે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો છે જેમાં કહેવાયું છે કે, શહેરને ૧૯૭ કરોડના ફલાય ઑવર, ૧૦૦ કરોડની પાણી યોજના, નવું સ્પોર્ટ સંકુલ અને વિજ્ઞાનભવન, રેલ ઑવર બ્રીજ, રસ્તા પહોળા કરવા ઉપરાંત રાત્રિ બજારની અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવનારા પાંચ વર્ષ દરમિયાન ભાજપ દ્વારા શું-શું આયોજન ઘડી કઢાયા છે તે અંગેનો ચિતાર ચૂંટણી ઢંઢેરામાં અપાયો છે.
ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષમાં જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટેના સંકલ્પ રજુ કરાયા હતાં. શહેરના સુભાષ બ્રિજથી શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા સાડા ત્રણ કિ.મી. લાંબા ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને લાંબો ઓવરબ્રિજ કે જેનું ખાતમૂહર્ત થઇ ચૂકયું છે. આ ઓવરબ્રિજ સુભાષ બ્રિજ થી થઈ સાત રસ્તા સર્કલ થી છેક ઓશવાળ સેન્ટર સુધી લંબાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ માટે ૧૯૭ કરોડની જંગી રકમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત દિગ્જામ સર્કલ થી ખેતીવાડી- એરફોર્સ રોડના ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂરું કરી લોકાર્પણ કરવામાં આવશે. લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તેમજ ઠેબા ચોકડી પાસેના ઓવરબ્રીજનું (કાલાવડ બાયપાસ) નિર્માણ કરવામાં આવશે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવી જામનગરને ફાટક મુક્ત બનાવવામાં આવશે.
બેડી બંદર રિંગરોડ પૂર્ણ કરવામાં આવશે, જામનગરની વસ્તી અને વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યા નિવારવા ડીપી- ટીપી કપાત કરી રોડ પહોળા કરવામાં આવશે. સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી ફોર લેન રોડ બનાવી સુંદર લાઈટિંગથી શણગારવામાં આવશે.
જામનગરમાં સામેલ થયેલા નવા વિસ્તારોમાં ઝડપથી ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવાશે. લાલપુર રોડને હાપા માર્કેટ યાર્ડ આસપાસ આધુનિક બે નવા ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. જામનગરને વર્ષોથી રમતગમત ક્ષેત્રે અનેરો સંબંધ છે અને વિશ્વ વિખ્યાત ક્રિકેટરો જામનગરે દેશને આપ્યા છે. રમતગમતની આ ભૂમિ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. એક વધુ અદ્યતન સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. રખડતા ઢોર, પથારા, રેકડી, ગુજરી બજાર, ઝુપડપટ્ટી નિર્મૂલનની દિશામાં રચનાત્મક અને હકારાત્મક અભિગમ અપનાવીને તે દિશામાં સૌને સાથે લઈને આયોજન કરવામાં આવશે.