રોડ, રસ્તા, લાઇટ, પાણી, સફાઇ સહિતના મુદ્દે જનપ્રતિનિધિઓની ઉગ્રતાથી સીએમ સમક્ષ રજૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. સવારથી તેઓ સંગઠનના હોદ્ેદારો, સહકારી અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. આજે સવારે બાલાજી મંદિર ખાતેથી ધર્મસ્થાનોના સફાઇ અભિયાનનો આરંભ કરાવ્યા બાદ સીએમએ સામાકાંઠા આવેલા અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ ખાતે જિલ્લા ભાજપના કાર્યકરો અને સહકારી તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. પ્રાથમિક સુવિધાના સતત વિલંબ થતા કામો અને ગ્રાન્ટમાં વધારો કરવા બાબતે કેટલાક પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ પોતાની બીજી ટર્મના પ્રથમ 100 દિવસમાં કરેલી લોકઉપયોગી કામગીરીનો રિપોર્ટ કાર્યકરો સમક્ષ રજૂ કર્યો હતો.
આજે મુખ્યમંત્રી દ્વારા પ્રથમ બેઠક કાર્યકરો સાથે યોજાઇ હતી. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, જિલ્લાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, સહ પ્રભારી રક્ષાબેન બોળીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ ચાવડા અને મનીષ ચાંગેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા હાંકલ કરી હતી. લોકસભાની આગામી ચૂંટણીમાં હરિફ ઉમેદવારોની ડિપોઝીટ પણ ન બચે તે રીતે સંગઠનલક્ષી કામ કરવા તાકીદ કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ છેડાવાઓના માનવી સુધી પહોંચાડવા પણ સૂચન કર્યું હતું. બીજી બેઠક તમામ ક્ષેત્રના ચૂંટાયેલા સભ્યો સાથે યોજવામાં આવી હતી. જેમાં ઉક્ત અગ્રણીઓ ઉપરાંત મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ રામભાઇ મોકરિયા, રમેશભાઇ ધડુક, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, પૂર્વ મંત્રી-ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામીણ વિસ્તારના પ્રતિનિધિઓએ બળાપો ઠાલવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા, સફાઇ, પાણી, લાઇટના પ્રશ્ર્નો અંગે પદાધિકારીઓ અને અધિકારીઓને અવાર-નવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ પ્રાથમીક સુવિધાઓના કામો પણ સતત વિલંબમાં પડે છે. જેના કારણે તેઓએ લોકોના રોષનો ભોગ બનવું પડે છે. મુખ્યમંત્રી સમક્ષ જનપ્રતિનિધિઓએ હાલ આપવામાં આવતી ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગણી કરી હતી. તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જશે તેવી ભૂપેન્દ્રભાઇ પટેલએ ખાતરી આપતા જનપ્રતિનિધિઓ પણ આનંદીત બની ગયા હતા.
સવારે બે બેઠકો યોજ્યા બાદ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે એમઆરઆઇ મશીનનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભોજન વિરામ લીધા પછી ઉપરાઉપર ત્રણ બેઠકો યોજી હતી. પ્રથમ બેઠક જિલ્લા ભાજપની સંકલન સમિતિના સભ્યો અને ત્યારબાદ સંઘના હોદ્ેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. છેલ્લી બેઠક જિલ્લા વહિવટી તંત્રના આઠ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં લોકોના પ્રશ્ર્નો વહેલી તકે ઉકેલી જાય તે રીતની કામગીરી કરવા માટે તમામને તાકિદ કરાઇ હતી. આજે દિવસ દરમિયાન મુખ્યમંત્રીએ રાજકોટમાં બેઠકોનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો. ટૂંક સમયમાં હવે શહેર કક્ષાના કાર્યકરો સાથે ‘વન ડે, વન ડિસ્ટ્રીક્ટ’ અંતર્ગત બેઠક યોજવામાં આવશે. તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
મુખ્યમંત્રી કાર્યકરોને રસપૂર્વક સાંભળી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છે: મંત્રી રાઘવજીભાઇ પટેલ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દરેક શહેરમાં પોહચી કાર્યકરોને મળી ને તેમના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરી રહ્યા છે.દરેક શહેર જિલ્લાના કાર્યકરો ભારતીય જનતાની કામગીરીથી ખુશ છે.સંગઠન ના હોદેદારો , ધારાસભ્ય, સંસદ સભ્યો સાથે મુલાકાત ચાલી રહી છે.મુખ્યમંત્રી 5 થી 6 મીટીંગો કરી ખુબજ રસ પૂર્વક તમામ સમસ્યાઓ ,રજૂઆતો સાંભળી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં પવિત્ર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું .પાર્ટી ના હોદેદારો ,મંત્રીઓ તમામ જુદા જુદા ધાર્મિક સ્થળોએ સફાઈ કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી દ્વારા બાલાજી મંદિરે સફાઈ અભિયાન શરૂ કરાવી સૌને સ્વચ્છ ગુજરાત રાખવા સંદેશો પાઠવ્યો હતો.