16મીએ સામાન્ય સભા; 36 સભ્યોમાંથી માત્ર 3 સભ્યોએ પ્રશ્ર્નો મોકલ્યા: સામાન્ય સભા પહેલા 14મીએ મળશે કારોબારી બેઠક
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા.16ને ગુરૂવારના રોજ યોજાશે. ત્યારે આ સામાન્ય સભામાં કુલ 36 સભ્યોમાંથી માત્ર ત્રણ સભ્યોએજ પોતાના પ્રશ્ર્નો મોકલતા પ્રશ્ર્નો પુછવામા સભ્યોની નિષ્ક્રીયતા સામે આવી છે. કાંતો પોતાના વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રજાકીય પ્રશ્ર્નો નથી અથવાતો પ્રશ્ર્ન ઉકેલવા તંત્ર પાસે પોતાના વિસ્તારના પ્રશ્ર્નો મોકલવામાં નિરસતા હોયતેવું જણાઈ રહ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આગામી 16 મીએ સામાન્ય સભા મળી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારનાં આરોગ્ય, કૃષિ, સિંચાઈ, શિક્ષણ જેવા મહત્વનાં વિભાગોની કામગીરીને લઈ લોકો પરેશાની ભોગવી રહયા છે પરંતુ તેમનાં પ્રશ્ર્નોે સામાન્ય સભામાં ઉઠાવવામાં ભાજપ – કોંગ્રેસનાં સભ્યોમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. સામાન્ય સભામાં પ્રશ્ર્નોે પૂછવાની છેલ્લી તારીખ દરમિયાન માત્ર ત્રણ સભ્યોએ લેખિતમાં પ્રશ્નો મોકલ્યા છે.
લાંબા સમય બાદ પ્રશ્ર્નોેતરી સાથેનું જનરલ બોર્ડ મળશે, શાસકોને ભીડવવા વિપક્ષની તૈયારી કરી છે.
લાંબા સમય બાદ પ્રશ્નોતરી સાથેની સામાન્ય સભા મળી રહી છે . નવા નાણાંકીય વર્ષ બાદની આ પ્રથમ સામાન્ય સભા હોય શાસકોને ભીડવવા
વિપક્ષ તૈયારી કરી રહયો છે. જનરલ બોર્ડનાં એક સપ્તાહ પહેલા સભ્યો લેખિતમાં જિલ્લા પંચાયતનાં કાર્યાલયમાં મોકલી શકે છે. કુલ 36 સભ્યોમાંથી શાસક ભાજપ પાસે 24 સભ્યો છે અને વિપક્ષ કોંગ્રેસ પાસે 12 સભ્યો છે. આજ દિવસ સુધીમાં વિપક્ષનાં નેતાએ શિક્ષણ, બાંધકામ સહિતનાં વિભાગોનાં 4, અન્ય એક કોંગ્રેસનાં સભ્યએ 10અને ભાજપનાં માત્ર એક સભ્યએ પ્રશ્નો મોકલ્યા છે. તા. 16મીએ મળનારી બોર્ડ બેઠકમાં એક કલાકનો સમય પ્રશ્નોતરી માટે ફાળવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતમાં અરજદારો તો ઘટયા છે પણ પોતાનાં મત વિસ્તારનાં પ્રશ્નો લઈને આવનારા સભ્યો પણ ભાગ્યે જ જોવા મળી રહયા છે. 11 તાલુકા મળી આશરે 17 લાખની વસતી ધરાવતા રાજકોટ ગ્રામ્યમાં અનેક પ્રશ્નો છે પરંતુ તેને ઉઠાવવામાં ખુદ ચૂંટાયેલા સભ્યોમાં જ ઉદાસીનતા જેવા મળી રહી છે. તા. 16 મીએ સામાન્ય સભા પહેલા તા. 14 મીએ કારોબારીની બેઠક મળી રહી છે.