ભાઇ-બહેન વચ્ચે મિલ્કતના પ્રશ્ર્ને ચાલતી તકરાર નવો વણાંક: ર6 ઓગષ્ટે સુનાવણી: ઝાંસી સ્થિત બહેન અંબાલિકા દેવીએ પ્રાંત અધિકારી અને સીટી સર્વે કચેરીનો મામલો સિવિલ કોર્ટમાં ચાલે છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યા

રાજકોટના રાજવી પરિવારની મિલકતને લઈ ભાઈ અને બહેન વચ્ચે ચાલતી તકરારમાં રાજકુમારી અંબાલિકા દેવીએ રાજવી માંધાતાસિંહને વધુ એક કાનૂની પડકાર આપ્યો છે. રાજકુમારીએ ભાઈ માંધાતાસિંહને રાજવી પરિવારની મિલકતો વેચતા રોકવા રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ ધા નાખી સ્ટે માંગ્યો છે. આ અંગે વધુ સુનાવણી તા.26 ઓગષ્ટના રોજ કોર્ટમાં હાથ ધરાશે.

આ તકરારની વિગત મુજબ રાજવી પરિવારની મિલકતના વિવાદમાં નવો ફળગો ફૂટયો છે. રાજકુમારી અંબાલિકાદેવી કે જેઓ સ્વ. મનોહરસિંહજી જાડેજાના દીકરી છે. તેમણે મિલકતમાં પાંચમો ભાગ માંગ્યો છે. તેમણે રાજકોટના પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં રાજવી પરિવારની વારસાઈ મિલકતોના વેચાણ અંગે કામ ચલાઉ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો છે. આ દાવો તેમણે તેમના ભાઈ અને રાજકોટના રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા સહિતના વિરૂધ્ધમાં કર્યો છે. ાવામાં જણાવાયા મુજબ મિલકત તકરારનો અંત થયો નથી તે પૂર્વે જ એક મિલકત વેચી પણ નાખવામાં આવી છે.

જેથી કેસના નિકાલ સુધી સ્ટે આપવા દાદ માંગી છે. લગ્ન બાદ ઝાંસી ખાતે રહેતા અંબાલિકા દેવી પુષ્લેન્દ્રસિંહે કોર્ટમાં કરેલા દાવા ઉપરાંત પ્રાંત અધિકારી (સિટી-2)ના હુકમ સામે માંધાતાસિંહે કલેકટર સમક્ષ અપીલ કરી છે જયારે અંબાલિકાદેવીએ સિટી સર્વે કચેરીના હુકમ સામે અપીલ કરી છે અને કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે. ત્યારે રાજવી પરિવારની મિલકત અંગે વિવિધ સ્તરે કેસો ચાલી રહ્યા છે. રાજવી મનોહરસિંહજીના દેહાંત બાદ તેમનું 6/7/2013નું વિલ સામે આવ્યું હતું. જો કે આ વિલ બંધનકર્તા ન હોવાનું અને માંધાતાસિંહની તરફેણ વાળુ તા.6/6/2019નું રિલીઝ ડીડ રદ બાતલ ઠરાવવાનું ડીકલેરેશન કરી આપવા અંગેનો દાવો ચાલી રહ્યો છેતેમાં આ મિલકત વેચાણ કરતી રોકવા સ્ટે આપવા અરજી કરાઈ છે. ગઈકાલે અંબાલિકાદેવી તરફે રોકાયેલા રાજકોટના એડવોકેટ કેતન સિંઘવાએ દલીલો રજૂ કરેલી જેમાં દલીલો મુજબ આઝાદી પહેલાના રાજકોટના છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહજી એટલે કે માંધાતાસિંહ અને અંબાલિકાદેવીના દાદાને તેમના પિતા સર લાખાજીરાજ પાસેથી મળેલી મિલકતો રાજવી પરિવારની ખાનગી મિલકત હતી સ્વતંત્ર મિલકત નહોતી.

1949માં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને 26માં સુધારા તા.28/12/1971તી રજવાડાઓને મળતી સવલતો રદ્દ થઈ, તા.9/11/1973ના રોજ પ્રદ્યુમનસિંહજીનું અવસાન થયું ત્યારે બંધારણીય સુધારો અમલી હતો.જેતી તેમના કહેવાતા વિલની રૂએ મનોહરસિંહજીના દાવા વાળી મિલકતના તે સ્વતંત્ર માલિક નથી બનતા કેમ કે પ્રદ્યુમનસિંહજીને પણ મિલકતો તેમના પિતા એટલે કે સર લાખાજીરાજ પાસેથી મળી હતી. વધુમાં કરાયેલી દલીલ મુજબ વડીલોપાર્જિત મિલકતો પૈકી એક મિલકત વેચાઈ ગઈ છે કે પછી વેચવાની તજવીજ ચાલુ છે જો સ્ટે નહીં મળે તો ભાઈ માંધાતાસિંહજી પોતાના કબ્જાની કરોડોની મિલકત વેચી દેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.