- વૃદ્ધા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : હાલત ગંભીર
રાજકોટ શહેરમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીએ કોઈ અગમ્ય કારણસર સજોડે એસિડ પી લીધું હતું. જેમાં પતિએ સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. જયારે વૃદ્ધા હાલ ખાનગી હોસ્પિટલમાં સારાવર હેઠળ છે.
બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નંદનવન સોસાયટીમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે રહેતા નરશીભાઈ ચનાભાઈ વડાલીયા (ઉ.વ.65) અને પત્ની લીલાબેન નરશીભાઈ વડાલીયા (ઉ.વ.66) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં સજોડે એસિડ પી લીધું હતું. દંપતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ નરશીભાઈ વડાલીયાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જયારે હાલ વૃદ્ધા સારવાર હેઠળ છે અને હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નરશીભાઈ વડાલીયા અને લીલાબેન વડાલીયાને સંતાનમાં એક પુત્ર છે. પુત્ર ગઈકાલે કારખાને ગયો હતો અને તેની પત્ની શિલ્પાબેન કાકાજી સસરાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા. બંને વૃદ્ધ દંપતિ ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર સજોડે એસિડ પી લીધું હતું અને બાદમાં દંપતીએ દેકારો કરતા પાડોશી એકઠા થઈ ગયા હતા અને પાડોશી દ્વારા તેના પુત્રના સાળાને જાણ કરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ નરશીભાઈ વડાલીયાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી સજોડે એસિડ પીવા પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.