પોતાની સાથે વિશ્ર્વાસઘાત થતાં પગલું ભર્યાનું અને લેણદારોને નાણા ચુકવી દેવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
અબતક, રાજકોટ
રાજકોટમાં મવડી સ્મશાન સામે ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં રહેતા અને 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે રેડીમેઇડ ગારમેન્ટ બનાવવાનું કારખાનું ધરાવતાં વૃધ્ધ દંપતિએ કોરોનાને કારણે ધંધો ઠપ્પ થતાં સજોડે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટમાં મવડી પાસે ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટનાં 12માં માળે ફ્લેટ નં.1202માં રહેતા ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા (ઉ.વ.60) અને તેના પત્ની નિર્મલાબેન ચાવડા (ઉ.વ.58)એ ગત કાલે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ તાલુકા પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે ગોપાલભાઇ 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક રેડીમેઇડ ગારર્મેન્ટ બનાવવાનું કારખાનું ધરાવે છે અને તેમને સંતાનમાં પુત્ર રાહુલ અને પુત્રિ ભાવિકા છે. રાહુલ માલવીયાનગર વિસ્તારમાં અલગ રહે છે અને પુત્રી ભાવિકાના વડોદરા ખાતે લગ્ન થયેલાં છે.પોલીસે ઘરની તપાસ કરતાં તેમને એક સ્યુસાઇડ નોટ મળી હતી જે ગોપાલભાઇએ લખી હતી અને સ્યુસાઇડનોટમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે ધંધો ભાંગી પડતાં અને મારી સાથે વિશ્ર્વાસઘાત થતાં હું આ પગલું ભરી રહ્યો છું અને મારી ત્રણેય મિલકતો કે જેમાં ન્યૂ માયાણીમાં આવેલા મકાન, કારખાનાની જગ્યા અને મારા ફ્લેટને વેંચી નાખજો અને લેણદારોને નાણા ચૂકવી દેજો સાથે મારા પુત્રોનો કોઇ મારી મિલકતમાં ભાગ નથી તેવો પણ ઉલ્લેખ કર્યો છે.
આ બનાવ અંગે તેના પુત્રએ જણાવ્યા મુજબ ગત કાલે પુત્રિ ભાવિકા પિતા ગોપાલભાઇને ફોન કરી રહી હતી અને તેમને ફોન ના ઉપાડતાં તેણે ભાઇ રાહુલને પિતાના ફ્લેટ પર તપાસ કરવા માટે મોકલ્યો હતો. રાહુલે પોતાના પાસે રહેલી ફ્લેટની બીજી ચાવીથી ફ્લેટ ખોલતા રસોડામાં પંખામાં દોરડું બાંધી પિતા ગળાફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યાં હતાં અને બીજા રૂમમાં માતા પણ લટકાતાં જોવા મળતા તે સ્તંબ્ધ થઇ ગયો હતો અને 108ને જાણ કરતાં સ્ટાફે દોડી આવી તપાસીને બંને મૃત જાહેર કર્યા હતાં.
તાલુકા પોલીસે મળેલી સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી અને ગોપાલભાઇ સાથે કોણે વિશ્ર્વાસઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથધરી છે.