જામનગરમાં એક વકીલ પાસેથી ટેનામેન્ટ બાંધવાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર લોકડાઉનના કારણે નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ નહીં કરી શકતા તે વકીલે રૃા. એક કરોડની માંગણી કરી કોન્ટ્રાક્ટરને ધમકી આપતા ઝેરી દવા પી આત્મહત્યાની કોશિષ કરતા મામલો ચગ્યો છે. એસપી સુધી અરજી થયા પછી ગઈકાલે પોલીસે વકીલ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મેમણના જમાતખાના પાસે રહેતા મહમદબસીર અબ્દુલરજાક ધ્રોલવાળા નામના આસામી જુદા જુદા સ્થળે બાંધકામનો કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરે છે. તેઓ ગયા સપ્તાહે હાલમાં કાલાવડ નાકા બહાર આવેલી ઝમઝમ સોસાયટીમાં ચાલતા પોતાના કોન્ટ્રાક્ટના સ્થળે કામ પર હતાં.
તે સ્થળે ટાંકના ડેલામાં રહેતા આસીફ જીકરભાઈ શેરજી નામના વકીલ ગયા બુધવારે દોડી આવ્યા હતાં. તેઓએ કોન્ટ્રાક્ટર બસીરભાઈને મારા કોન્ટ્રાક્ટ મુજબ તે સમયમર્યાદામાં કામ કર્યું નથી તેથી તારે રૃા. એક કરોડ મને આપવા પડશે તેવી માંગણી કરી બઘડાટી બોલાવી હતી.
વકીલ દ્વારા અગાઉ ઝમઝમ સોસાયટીમાં કેટલાક પ્લોટ ખરીદવામાં આવ્યા હતાં. તે પ્લોટમાં ટેનામેન્ટનું બાંધકામ કરવા માટે કોન્ટ્રાક્ટર મહમદબસીર ધ્રોલવાળાએ કામ રાખ્યું હતું. નક્કી થયા મુજબ ત્યાં બાંધવાના થતા ૧૫ ટેનામેન્ટમાંથી પોણા ભાગનું કામ પૂર્ણ પણ થવા આવ્યું છે પરંતુ ગયા માર્ચ મહિનામાં કોરોનાનો પ્રસાર વધતા લાગુ કરાયેલા લોકડાઉનના કારણે મહમદબસીર નિયત સમયમાં બાંધકામ પૂરૃં કરી શક્યા ન હતાં. તેના કારણે લાંબા સમય સુધી કામ અટવાયેલું પડ્યું હતું. તે કામ લોકડાઉન હળવું થતા ફરીથી પૂર્વવત થયું છે પરંતુ નક્કી થયેલા સમયમાં અણધાર્યા લોકડાઉનને કારણે કામ ગોટાળે ચઢી જતા કોન્ટ્રાક્ટર સલવાઈ ગયા હતાં.
તેઓની પરિસ્થિતિ કે વાત સમજ્યા વગર વકીલ આસીફ શેરજીએ પૈસા તો આપવા જ પડશે નહીં તો તને જામનગરમાં રહેવા નહીં દઉ તેવી ધમકી આપતા ગયા બુધવારે કોન્ટ્રાક્ટર મહમદબસીરે ઝેરી દવા પી લેવાનો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે પછી મામલો ચગ્યો હતો. જિલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળી સુધી તેની રજુઆત થયા પછી ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આસીફ જીકરભાઈ શેરજી સામે રૃા. એક કરોડની માંગણી કરી ધાકધમકી આપવા અંગે આઈપીસી ૫૦૪, ૫૦૬ (૨) હેઠળ ગુન્હો નોંધ્યો છે.