ગોંડલ ખાતે યોજાયેલી રેલી અને સભા દરમિયાન એક સાથે ૭૦૦ વ્યક્તિએ પોતાના મૃત્યુ બાદ અંગદાન કરવાનો કર્યો સંકલ્પ
રાજકોટની ૧૬ વર્ષની તરૂણીના કરાયેલા અંગદાનથી ભાવુક બનેલા એસપી મીણાએ પણ અન્યની જીંદગી બચાવવા કર્યો સંકલ્પ
પંચ મહાભૂત તત્વના બનેલા શરીરને મૃત્યુ બાદ દફનાવીને અથવા અગ્નિદાહ દઇને શરીરને નષ્ટ કરી નાખવામાં આવે છે. મૃત શરીરમાં કેટલાક અવયવ જીવંત અને સારી રીતે કાર્યરત હોય છે તે અન્યના શરીરમાં ટ્રાન્સફર કરવાથી દર્દીને નવજીવન મળતું હોય છે આવા જ સારા ઉમદા હેતુ સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩મી જન્મ જયંતી નિમિતે અંગદાનનો મહત્વનો સંકલ્પ કરી અન્યને પ્રેરણા પુરી પાડી છે.
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જંયતીની ઠેર ઠેર ભવ્ય રીતે થઇ રહેલી ઉજવણી અંતર્ગત ગોંડલના યુધ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવા માકેર્ટીગ યાર્ડ ખાતેથી રેલીનું આયોજન કર્યા બાદ જાહેર સભા યોજવામાં આવી હતી.
સભા દરમિયાન બદ્રીનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાનનો મહિમા સમજાવી પોતાના મૃત્યુ બાદ લીવર, કીડની, હૃદય અને આંખ જેવા અમુલ્ય અંગ અગ્નિદાહની સાથે સળગાવી નાખવાના બદલે જરૂરીયાતમંદ દર્દીને આપવાથી તેઓને નવજીવન મળે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે રાજકોટની રાધિકા નામની ૧૬ વર્ષની તરુણીના મૃત્યુ બાદ તમામ અવયવનું દાન કરી પાંચ થી છ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યાની આપેલી માહિતીથી જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પ્રભાવિત થઇ પોતે પણ અંગદાન કરશે તેવો સંકલ્પ કર્યો હતો.
રાધિકાએ ધોરણ ૧૦ની પરિક્ષા આપ્યા બાદ પોતાનું પરિણામ આવે તે પહેલાં બ્રેન્ડટ્યુમરના કારણે મૃત્યુ પામી હોવાનું અને એક આશાસ્પદ ક્રિકેટર લંડનમાં નેશનલ રમવા જવાના દિવસે જ મૃત્યુ પામી પણ તેના લીવર, હૃદય, કીડની અને આંખ પાંચ થી છ જેટલા દર્દીઓ માટે મહત્વના બન્યા હોવાથી એસ.પી. બલરામ મીણાએ રાધિકાના પરિવારની સેવાભાવીવૃતિથી પ્રેરણા લઇને પોતાના અંગદાન માટેનો નિર્ણય કર્યાનું જણાવ્યું છે.
ગોંડલ ખાતે યોજાયેલા અંગદાન કેમ્પ વર્લ્ડ રેકર્ડ બન્યો છે. અત્યાર સુધીમાં અમેરિકામાં એક સાથે ૫૪૦ વ્યક્તિએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો જ્યારે ગોંડલ ખાતે યોજાયેલા અંગદાનમાં એક સાથે ૭૦૦ જેટલી વ્યક્તિએ અંગદાનનો સંકલ્પ કરી વર્લ્ડ રેકર્ડ કર્યો છે.
અંગદાનનો સંકલ્પ કરનાર વ્યક્તિ પાસે ફોર્મ ભરાવવામાં આવે છે અને તેઓના મૃત્યુ બાદ તેમના વારસદાર દ્વારા નજીકની હોસ્પિટલમાં જાણ કરી કાર્યરત અંગનું દાન કરવા સમજ આપવામાં આવી છે.
વાડોદરીયા હોસ્પિટલ ખાતે અંગદાનના ફોર્મ ભરાયા
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે યોજાયેલી રેલી અને સભા બાદ અંગદાન માટે ગોંડલની વાડોદરીયા હોસ્પિટલ ખાતે અંગદાનના સંકલ્પના ફોર્મ ભરયા એક સાથે ૭૦૦ વ્યક્તિએ અંગદાનનો મહિમા સમજીને અંગદાન માટે સંકલ્પ કરી વર્લ્ડ રેકર્ડ બનાવ્યો ત્યારે ડો.વાડોદરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ અંગદાનનો સંકલ્પ કરી અન્યને પ્રેરણાપ બન્યા છે. ગોંડલ માકેર્ટીંગ યાર્ડના પૂર્વ ચેરમેને પણ પોતાના અંગદાનનો સંકલ્પ કર્યો છે.