ત્રણ દિવસના લગ્નોત્સવમાં વર વધુના ગામમાં યોજાશે વિવિધ સેવા કાર્યો લગ્નનો ખોટો ખર્ચ બચાવીને તે જ રકમથી કરાશે અનોખી સેવા
‘અબતક’ ની મુલાકાતમાં આપી વિગતો
કાલાવડ તાલુકાના આણંદપર ગામના યુવાન અમિતભાઇ ગોબરભાઇ જેસડીયાએ પોતાના લગ્ન પ્રસંગે અનોખી જનસેવાનું આયોજન કરીને એક નવો રાહ ચિંઘ્યો છે. ‘એક કદમ માનવતા કી ઓર’ ના શુભ સંદેશ સાથે તેના લગ્ન પ્રસંગ તા. 7 થી 9 માર્ચ વર-વધુના બન્નેના ગામોમાં ગૌશાળામાં ઘાસ વિતરણ, વિઘાર્થીને શૈક્ષણિક કીટ, પક્ષીને ચણ, ઝુપડપટ્ટીના બાળકોને નાસ્તો, વૃઘ્ધાશ્રમમાં ભોજન જેવા વિવિધ કાર્યક્રમો જેસડીયા પરિવારના લગ્ન પ્રસંગે યોજાયા છે. આણંદપર અને સાંઢવાયા ગામમાં બન્ને વેવાઇના આવા સુંદર સેવા આયોજનથી ગામના રહેવાસીઓમાં આનંદોત્સવ છવાયો છે.
‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે આવેલા વરરાજા અમિત જેસડીયાએ જણાવેલ કે મે અને મારા પત્નીએ લગ્નમાં થતો ખોટો ખર્ચ બચાવીને તે રકમ સેવા ક્ષેત્રના વાપરી જરુરીયાત મંદોને મદદરુપ થવાનો નિર્ણય કર્યોને પરિવારનો સાથ મળતા અમારા લગ્નોત્સવના ત્રણ દિવસ વિવિધ સેવાકીય આયોજન કરેલ છે.વર-વધુના બન્ને ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સેવાકિય આયોજન કરવામાં આવશે. કંકોત્રીમાં જ માનવતાનો સંદેશ છપાવીને જેસડીયા પરિવારે અનોખી પહેલ કરી છે.
છેલ્લા કેટલાય વર્ષથી ગરીબોને ભોજન સહિત વિવિધ સહાય કરતાં અમીતભાઇએ પોતાના લગ્ન પ્રસંગે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતાં બન્ને ગામનાં યુવા વર્ગમાં સરાહના થઇ રહી છે.અમીતભાઇના બેન પ્રિતિબેન પટેલ પણ રાજકોટકમાં નથી ફાઉન્ડેશન અંતર્ગત મહિલા ઉત્થાન અને તેના વિકાસ લક્ષી કાર્યક્રમો કરે છે. તેઓના મહિલા ઉપરના અત્યારના કાર્યક્રમોમાં તેઓ ‘લેડી સિંઘમ’ તરીકે જાણીતા છે. અમીત-કિંજલ (રાધા)ના લગ્ન પ્રસંગે સેવાના વિવિધ આયોજનોમાં બન્ને ગામના રહેવાસીઓનો વ્યવસ્થામાં સાથ સહકાર મળી રહ્યો છે. ‘અબતક’ ની મુલાકાતે રાહુલ વાળા અને મોલિક ગમઢા પણ ઉપસ્થિત રહ્યા હતા.