નવસારી: બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો હતો. આ દોડમાં રમતવીરો સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા. દેશમાં દર વર્ષે તા.31 ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બે કી.મી સુધીની ‘રન ફોર યુનિટી’ દોડ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બન્યા હતા અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો.
આ ‘રન ફોર યુનિટી’ દોડને ગણદેવીના ધારસભ્ય નરેશ પટેલ તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. બીલીમોરાના મઢીના ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં યુવાનો અને નગરજનો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ મઢીના ગ્રાઉન્ડથી શરૂ થઈ સોમનાથ મહાદેવ મંદિરથી બે કી. મીનો અંતર કાપી મઢીના ગ્રાઉન્ડ પરત ફરી હતી. રન ફોર યુનિટી દોડમાં આશરે 150 થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ કેટ્ગરીમાં વિજેતા થયેલ દોડવીરોને મહાનુભાવોના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચિખલી પ્રાંત અધિકારી મીતેશ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી અલ્પેશ પટેલ, જિલ્લા વહીવટ તંત્રના અધિકારી- કર્મચારીઓ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.