પાકિસ્તાનને કાંતો રગેરગ હસ્તગત કરી લઈએ અથવા તો હાડેહાડ શત્રુતાનો અંત આણીને સુમેળ સાધીએ !… પડોશી દેશ સાથે રોજ ઉઠીને યુધ્ધની સંભાવનાનો ધગધગતો અજંપો વેઠયા કરીએ એમાં આપણા દેશની વૈશ્ર્વિક સ્તરે મહાન રાષ્ટ્ર તરીકે ગણના કયાં રહે ?
બીજો એક મહત્વનો પ્રશ્ર્ન આખી દુનિયા સામે એ છે કે, પાકિસ્તાનમાં એવું શું છે કે એને મ્હાત કરવા માટે ભારતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે કરોડો ડોલર ખર્ચીને શસ્ત્રોના ઢગલા ખરીદવા પડે અને પાકનાં આતંકી પરિબળોને પહોંચી વળવા સહાયની ગરજ કરવી પડે? ચાણકયે તે એમ કહ્યું છે કે આપણે આપણી ઉણપોની વિદેશોને જાણ થવા દેવી ન જોઈએ !
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભારત-પ્રવાસ દરમ્યાન જે મુખ્ય મુખ્વા તો કહી તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની પ્રશંસા, ભારતને ડોલરની શસ્ત્રોની જબરી સહાય તેમજ પાકિસ્તાનના રાક્ષસી આતંકવાદ સામેના યુધ્ધમાં ભારતની પડખે રહેવાનું વચન તથા તેને નેસ્તનાબુદ કરી દેવા સુધીની મદદ મોખરે રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ પણ પાકિસ્તાની આતંકવાદના સફાયા માટે ભારતની મદદમાં ઉભા રહેવાનો ટ્રમ્પને અનુરોધ કર્યો છે.અહીં એવો સવાલ જાગે છે કે, પાકિસ્તાનમાં એવું તે શું છે કે એને મ્હાત કરવા માટે ભારતને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની જંગીસહાય મેળવવા ગરજ કરવી પડે છે ?
આની સાથે સાથે ટ્રમ્પે પણ ભારતને સારી પેઠે રાજી અને ઋણી કરવું હોય તેમ પાકિસ્તાન વિરોધી વિધાનો, પાકિસ્તાની આતંકવાદીઓનાં સફાયામાં ભારતને મહત્વની સહાય આપવાનો પૂનચ્ચાર, ભારતની ભૂમિ પર આવ્યા પહેલા અમેરિકાની ભૂમિ ઉપરથી જ પાકિસ્તાનને આતંકવાદી પરિબળો અંગે જલદ પગલાં લેવાની પાકિસ્તાનને ચેતવણી, હાફીઝ સઈદ પર અતિ જલદ પગલા લેવાનાં નિવેદનો અને પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મૂકવા સંબંધી આકરા વિધાનો ઉપર વિધાનો કર્યા કરીને ભારતને રાજી કરવાની રાજદ્વારી ચેષ્ટા કરી છે, જે સારી પેઠે સૂચક બનેલ છે.
અમેરિકી પ્રમુખનાં આવા પાકિસ્તાન વિરોધી વિધાનો અને ધમકીઓનો મૂળભૂત હેતુ અમેરિકામાં હવે પછી થનારી ચૂંટણીમાં અમેરિકા સ્થિત ગુજરાતીઓનાં અને ભારતીયોના મોટી સંખ્યામાં મત મેળવવાનો છે એ વાત કોઈથી અજાણી નથી રહી પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોમાં એકલા હિન્દુઓ-ગુજરાતીઓ જ થોડા છે? મુસ્લીમો પણ હોઈ શકે ?
અહી બીજી એક મહત્વની વાત એ છે કે, પાકિસ્તાન સ્ટ્રેટેજીક રીતે ભારતનું મહત્વનું પડોશી છે.
અભ્યાસી રાજદ્વારીઓનો એવો મત પણ હોઈ શકે કે, કાંતો ભારતે પાકિસ્તાનને રગેરગ, એટલે કે પૂરેપૂ હસ્તગત કરી લેવું જોઈએ, અથવા તો પાકિસ્તાન સાથેની હાડેહાડ શત્રુતાનો કોઈપણ સ્વપે અંત આણવો જોઈએ અને નવા પૂરેપૂરા સુધરેલા સંબંધો સાથે આગળ વધવું જોઈએ કારણ કે, અત્યારે પ્રવર્તતી સ્થિતિ મુજબ તો રોજ ઉઠીને પાકિસ્તાન સાથે સંભવિત નવી નવી તકરાર-ઝગડાના ધગધગતા અજંપાની વેદના વચ્ચે એ રહે છે. આને લીધે આપણા દેશની વૈશ્ર્વિક સ્તરે મહાન રાષ્ટ્ર તરીકે ગણના થતી નથી રાજદ્વારી સ્તરે પણ એ કમજોર હોવાના ખ્યાલ ઉપસે છે. અને પાકિસ્તાન તથા તેના ચીન, અફઘાનિસ્તાન અને અન્ય ઈસ્લામિક રાષ્ટ્રોમાં ભારતની નબળાઈ છતી થઈ જાય છે અને તેમને ભૂરાયા થવાનું બળ મળે છે.
ભારત એક બાજુથી તે વિશ્ર્વની પાંચમી આર્થિક સત્તાબની ગયાનો અને અવકાશ વિજ્ઞાન સહિત લશ્કરી સાધન સામગ્રી તેમજ શસ્ત્ર-સરંજામનાં ક્ષેત્રે વિશ્ર્વની જબરી લશ્કરી તાકાત બની ગયાનો દાવો કરે છે. અને બીજી બાજુ તે પાકિસ્તાનની અવળચંડાઈ સામે માત્ર વાતો અને ડંફાશોનાં ફટાકડા ફોડીને નિષ્ક્રિય બેઠું રહ્યું છે. આને લીધે તેની ‘હાક’ બિલ્કુલ રહી નથી….
હવે ભારત ટ્રમ્પની ભારતની મુલાકાત બાદ તેની વિદેશનીતિને નવું કલેવર આપશે ખરૂ એવો સવાલ ઉઠે છે.વર્તમાન સ્થિતિમાં ભારતે કાંતો પાકિસ્તાનને રગેરગ હસ્તગત કરીને તેની હાક ઉભી કરવી પડશે, અથવા તો પાકિસ્તાન સાથેની હાડેહાડ શત્રુતાનો નવી રાજદ્વારી વ્યૂહરચના હેઠળ અંત આણીને તેની રાજદ્વારી મહત્તા પ્રસ્થાપિત કરવી જોઈએ.
પાકિસ્તાનને રગેરગ હસ્તગત કરવાનો વ્યૂહ ભારતની પ્રજાને રાજી કરી શકે, પણ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ગતિવિધિઓ વચ્ચે પાકિસ્તાનને રગેરગ હસ્તગત કરવાનું અગ્નિ પરીક્ષા સમું બની શકે !આ બધુ જોતાં આવતા મહિનાઓ ભારત સામે નવા પડકારો લાવે તેવો સંભવ છે !