આજે બુધવાર અને આઠમું નોરતું છે.આઠમાં નવરાત્રમાં માં મહાગૌરીની આરાધના થાય છે. દેવી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં છે. દેવીનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે ઓળખાયું છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.
દેવી મહાગૌરી રાહુ જેવા ભ્રામક ગ્રહને પણ નિયંત્રણમાં રાખી શકે છે તેમના હાથનું ડમરુ બ્રહ્માંડની સ્થિતિમાં ફેરફાર કરી શકે છે. મા મહાગૌરીની આરાધનાથી જીવનના ભ્રમ દૂર થાય છે અને વાસ્તવિક ચિત્ર સામે આવે છે વળી તમામ પ્રકારે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ ‘મહાગૌરી’ પડ્યું.
જન્મકુંડળીમાં રાહુ ગ્રહને લીધે પીડા થતી હોય તો માતા મહાગૌરીની આરાધનાથી દૂર થાય છે જે મિત્રોને જન્મકુંડળીમાં રાહુના લીધે કારાવાસ યોગ થતો હોય તેમણે ખાસ મહાગૌરીની આરાધના કરવી જોઈએ. જન્મકુંડળીમાં ચોથે આઠમે કે બારમે રાહુ હોય ત્યારે જીવનમાં ક્યારેક કોર્ટ કચેરીના પ્રશ્નો ઉભા થતા હોય છે જે માં મહાગૌરીની સાધનાથી દૂર થાય છે અને કોર્ટ માં જીત પણ પ્રાપ્ત કરી શકાય છે.
મહાગૌરી મંત્ર “શ્રીમ કલીં હ્રીમ વરદાયૈ નમઃ”
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨