રૂ.૫.૩૫ લાખની રોકડ કબ્જે
લીંબુડીવાડી રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા આઠ વેપારીની રૂ.૫.૩૫ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબુડી વાડી રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રાધે નામના મકાનમાં રહેતા હિતેશ રસીકલાલ પાઉ નામનો શખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, સંતોષભાઇ મોરી, જગમાલભાઇ ખટાણા અને જયસુખભાઇ હુંબલ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.
જુગાર રમતા હિતેશ રસીક પાઉ, બાપા સિતારામ ચોકના સુરેશ લાલજી, સદગુરૂ આર્કેટમાં રહેતા કિરીટ ગોકળ રાજાણી, શક્તિનગરના મનિષ કુળજી મકવાણા, ગીતાજંલી પાર્કના અશોક કાનજી કોરાટ, રિધ્ધી પાર્કના નિલેશ મગન માકડીયા, સ્વામીનારાયણ ચોકના પ્રકાશ મોહન ચાપડીયા અને જીથરીયા હનુમાન મંદિર પાસે રહેતા જમન કુળજીભાઇ જેઠવા નામના શખ્સોને રૂ.૫.૩૫ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.