બાલ દોસ્તો કરો જલ્વો વેકેશનમાં
સાધુવાસવાણી રોડ, શ્રોફ રોડ અને કેનાલ રોડ ખાતે લાયબ્રેરીમાં સભ્ય બનીને બાળકો રમકડા ઘરે રમવા લઇ જાય તેવી વ્યવસ્થા
બાળકો અને રમકડાં વચ્ચેનો સંબંધ આદીકાળથી ચાલતો આવ્યો છે ત્યારે હાલના વેકેશન માહોલમાં શિક્ષણમાંથી મુક્ત વાતાવરણમાં વિવિધ રમકડા રમતો સાથે બાળ વાર્તા જેવા પુસ્તકો વાંચીને પોતાનો વિકાસ કરી શકે છે. વેકેશનમાં બાળકોમાં રહેલી છૂપી કલાને પ્રોત્સાહનમાં શૈક્ષણિક રમકડાં તેના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. પુસ્તકોના વાંચનથી તેને નવું નવું જાણવા મળતું હોવાથી સંર્વાગી વિકાસ થાય છે.
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત શહેરમાં સાધુ વાસવાણી રોડ, શ્રોફ રોડ અને કેનાલ રોડ ખાતે ટોયસ લાયબ્રેરી આવેલી છે. જેમાં વિવિધ આઠ હજાર જેટલા રમકડા છે. ફક્ત રૂા.60માં ત્રણ મહિનાના સામાન્ય શુલ્ક સાથે બાળકો એક વીક સુધી ઘરે રમવા રમકડાં લઇ જઇ શકે તેવી અને બાળ વાર્તા સાથે બાળ પુસ્તકો વાંચવા લઇ જઇ શકે તેવી સુવિધા છે. પુસ્તકાલયનો સમય સવારે 9 થી સાંજના 7 નો હોવાથી બાળક ગમે ત્યારે જઇ શકે છે.
એલ.કે.જી. થી શરૂ કરીને 14 વર્ષના બાળકો આ સુવિધાનો લાભ લઇ શકશે. લાકડાના, ગેઇમ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને પઝલ્સ જેવા વિવિધ અદ્યતન રમકડા આ ટોયસ લાયબ્રેરીમાં ઉપલબ્ધ હોવાથી બાળકોને બહોળો પસંદગીનો અવકાશ મળે છે. આ સિવાય બાળકો માટેના વિવિધ પુસ્તકો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે. તેમ લાયબ્રેરીના સંચાલક નરેન્દ્રભાઇ આરદેશણાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
1988થી શરૂ કરાયેલી આ સુવિધાનો પાંચ હજારથી વધુ બાળ દોસ્તો લાભ લઇ રહ્યા છે
વેકેશનના માહોલમાં દરેક મા-બાપે મનપાની આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. બાળકોને શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથે આવી ઇત્તર પ્રવૃત્તિને કારણે વિકાસ ઝડપી થતો હોવાથી દરેક વાલીએ બાળકોને સભ્ય બનાવવા પણ નરેન્દ્રભાઇ આરદેશણાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રંગીલા રાજકોટમાં આ ત્રણ જગ્યા સિવાય બીજે ક્યાંય આવી ટોયસ લાયબ્રેરી ઉપલબ્ધ ન હોવાથી આ ત્રણ જગ્યાએ બાળ દોસ્તોને લાભ લેવડાવવો જરૂરી છે.આપણાં સંતાનો આપણે એક કે બે રમકડાં ખરીદીને આવીયે પણ આ જગ્યાએ 8000થી વધુ રમકડાં એક સ્થળે હોવાથી બાળકોને ખૂબ જ મઝા પડી જતી હોય છે. રમકડાં રમતાં-રમતાં જ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે.અત્યારે વેકેશન હોવાથી આ ટોયસ લાયબ્રેરીનો વધુને વધુ લાભ લઇ રહ્યા છે ત્યારે આપને જે જગ્યાએ નજીક પડે ત્યાં સંતાનોને જોડીને તેને આનંદમય વેકેશન સાથે નવું-નવું શીખવા મળશે.