નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધાયો’તો
ભાવનગર શહેરનાં કાળિયાબીડ ભગવતી સર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે જુના ઝઘડાની દાઝ રાખી એક શખ્સનું આઠ જેટલા શખ્સોએ એક સંપ કરી જીવલેણ હથિયારો વડે હુમલો કરી એક યુવાનનું મોત નિપજાવ્યું હતું.
જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે આઠેય આરોપીઓને ઇ.પી.કો. કલમ 302 હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રુપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો.આઠ આરોપીઓએ તલવાર, છરીઓ, લોખંડના પાઇપ, બેઝ બોલના ધોકા, હોકી, લાકડીઓ જેવા જીવલેણ તિક્ષ્ણ હથિયારો ધારણ કરી કાળિયાબીડ, ભગવતીસર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે આવેલ શિવ પાન પાર્લર પાસે સુજાનસિંહ પરમાર તથા ફરિયાદ ભગીરથ હડીયલ બેઠા હતા ત્યાં તમામ આરોપીઓએ આવીને બંન્ને ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં ગંભીર રીતે ઘવાયેલ સુજાનસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે ફરિયાદીને પણ ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જે તે સમયે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભગીરથ હડીયલે ઉક્ત તમામ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો. કલમ 302, 307, ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ પ્રિન્સીપલ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આ કામના આરોપીઓ જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઉર્ફે જે.ડી. સરવૈયા, કોનાર્ક સોલંકી, હરવિજયસિંહ ચુડાસમા, હર્ષભાઇ ડોડીયા, મોહિતભાઇ મકવાણા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, જયદિપસિંહ ઉર્ફે ચિનો જોરસંગ પરમાર સહિતના આઠેય આરોપીઓને ઇ.પી.કો. કલમ 302 હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રુપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો.