ત્રંબા પાસે નદીમાં ડુબી જતા બે મિત્રોના મોત, ધ્રોલના મજોઠ ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના બે યુવાન ઉંડા પાણીમાં ગરક થયા
વાંકાનેરના પંચાસર ગામે નદીમાં ડુબી જતા કાકા-ભત્રીજાના મોત, ભાવનગરના દરિયામાં બે મિત્રોના ડુબી જતા મોત
સૌરાષ્ટ્રમાં ધૂળેટી નિમિતે રંગે રમવાની પરંપરા બાદ નદીમાં અને દરિયામાં ન્હાવા જતાં કેટલીક વ્યક્તિઓ જીવ ગુમાવતી હોય છે. ત્રંબા પાસે નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો, ધ્રોલના મજોઠ ડેમમાં ડુબી જતા એક જ પરિવારના બે યુવાનના, વાંકાનેરના પંચાસર ગામે નદીમાં ડુબી જતા કાકા-ભત્રીજાના અને ભાવનગર દરિયામાં ડુબી જતા બે મિત્રોના મોત નીપજયા છે.
આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતા અર્જુન લક્ષ્મણ ભુવા અને તેનો મિત્ર કમલેશ પ્રજાપતિ ધૂળેટી નિમિતે કલરથી રમ્યા બાદ ત્રંબા ખાતે આવેલી નદીમાં ન્હાવા માટે મિત્રો ગયા હતા ત્યારે ત્રણ મિત્રો પૈકી અર્જુન ભૂવા અને કમલેશ પ્રજાપતિ ઉંડા પાણીમાં ડુબી ગયા હતા અને એકને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો.
જામનગરના મુસ્લિમ પરિવાર ધ્રોલ નજીક આવેલી દરગાહે માનતા પુરી કરવા માટે આવ્યા હતા ત્યારે ધ્રોલ ખાતે આવેલા મજોઠ ડેમમાં ન્હાવા પડેલા આસિફ સિદીક જુણેજા નામના 18 વર્ષના યુવાન અને આસિફ ઇબ્રાહીમ જુણેજા નામના 19 વર્ષના યુવાન પડયા બાદ ડુબી જતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
વાંકાનેર તાલુકાના પંચાસર ગામની નદીમાં છ વર્ષના કિશન જીણાભાઇ ધામેચા ડુબતા તેને બચાવવા માટે તેના કાકા જીતેન્દ્ર રામજીભાઇ ધામેચા બચાવવા નદીમાં પડયો હતો. જીતેન્દ્ર ધામેચાને પણ તરતા આવડતું ન હોવાથી કાકા-ભત્રીજાના ડુબી જતા મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
ભાવનગરના અકવાળા ગુરૂકુળ પાસે રહેતા પંકજ ધનજીભાઇ સરવૈયા, સરદારનગર પાસે લંબે હનુમાનજી મંદિર પાસે રહેતા વિવેક રમેશભાઇ બારૈયા અને રાકેશ મુકેશભાઇ ભાલીયા ધુળેટી નિમિતે કલરથી રમ્યા બાદ કોળીયાક ખાતે દરિયામાં ન્હાવા માટે પડતા ત્રણેય દરિયાના મોજામાં તણાતા સ્થાનિક તરવૈયાઓએ રાકેશ ભાલીયાને બચાવી લીધો હતો પરંતુ ઉંડા પાણીમાં ગરક થવાના કારણે વિવેક બારૈયા અને પંકજ સરવૈયા મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.