સૌરાષ્ટ્રની અન્ડર-19માં પણ જામનગરની પાંચ ખેલાડીઓ પસંદ
જામ રણજીતની ક્રિકેટ ભૂમિ જામનગરે જામ રણજીત બાદ હાલના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટ રત્નો આપ્યા છે. તે સૌ જાણે છે. પરંતુ તાજેતરમાં રણજીત ટ્રોફી સમકક્ષ ગણાતી સિનીયર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જામનગરની એક નહિં પરંતુ આઠ ક્રિકેટર દીકરીઓ સીલેકટ થતાં જામનગરનું ક્રિકેટ ગૌરવ વધ્યું છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રે રણજી ટ્રોફી સમક્ષક ગણાતી સિનીયર લેડીઝ ક્રિકેટ ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનીયર્સ લેડીઝ ક્રિકેટ ટીમમાં જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના ખેલાડીઓ નેહા ચાવડા (કેપ્ટન), સિધ્ધિ રૂપારેલ (વીકેટ કીપર), સુજાન સમા, રીના સવાસરીયા, ધાર્મી થાપતલા, જયશ્રી જાડેજા, મુસ્કાન મલેક તેમજ સાક્ષી જેઠવા તાજેતરમાં પસંદગી પામ્યા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર કક્ષાની અંડર-19 ટીમમાં પણ જામનગરની બહેનોએ મેદાન માર્યુ છે. પ્રિતિકા ગૌસ્વામી, અનુષ્ઠા ગૌસ્વામી, રાબીયા સમા, માહેનુર ચૌહાણ અને ખુશી ભીંડી નામની ખેલાડીઓ પણ આંતર ઝોન કક્ષાની ટુર્નામેન્ટમાં પોતાના કાંડાનું કૌવત દેખાડવા હાલ રાજકોટ પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફલક પર જામ રણજીથી જામનગરનો ક્રિકેટ વારસો વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા સુધી આગળ વધ્યો છે. રણજી ટ્રોફી જેવા ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પણ શહેરના સંખ્યાબંધ ખેલાડીઓ ઝળક્યા છે. હવે નવી જનરેશનની દીકરીઓ પણ સાચા અર્થમાં મેદાનમાં આવી ગઇ છે. જે પોતાનું હિર સૌરાષ્ટ્ર કક્ષાએ દેખાડી રહી છે. આ દીકરીઓમાંથી કોઇ પણ ટેસ્ટ કક્ષાએ પહોંચશે તો તે જામનગરનું એક વિશિષ્ઠ ગૌરવ બનશે.