Abtak Media Google News
  • સૌરાષ્ટ્રના દ્વારકા, અમરેલી, જૂનાગઢમાં વરસાદી ઝાપટાં: આજે ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી: કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી

ઉત્તર ગુજરાતમાં વરસાદે જમાવટ કરી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી પાંચેય જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે ગુરૂવારે બનાસકાંઠાના દાંતા પંથકમાં ચાર કલાકમાં જ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. દાંતા પંથકમાં ગુરૂવાર સવારથી વિજળીના કડકા-ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી હોય તેમ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે દાંતામાં આવેલી સિવિલ હોસ્પિટલ જાણે સ્વિમીંગ પુલ બની ગઇ હતી. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ આપ્યો છે. જો કે, હવે આજથી રાજ્યભરમાં ફરી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના કુંદેલ ગામમાં વિજળી પડતા એક પશુનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના વડગામ તાલુકામાં અઢી ઇંચ અને પાલનપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર શરૂ કરી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ઇડર પંથકમાં અંદાજે સાડા ત્રણ ઇંચ તથા પ્રાંતિજ અને વડાલીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખેડબ્રહ્મા, વિજયનગર અને ઇડરમાં વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બેચરાજીમાં 16 મીમી, જોટાણામાં ચાર મીમી, ઉંઝામાં એક મીમી, વડનગરમાં 28 મીમી, વિજાપુરમાં 35 મીમી તેમજ વિસનગરમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો. નોંધપાત્ર છે કે જિલ્લામાં 24 કલાકમાં કડીમાં 5 ઇંચ, ખેરાલું, વડનગર તેમજ વિજાપુરમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી છે. આગામી ચાર દિવસ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

4 11

5 14

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.