હાસ્ય કલાકાર-કવિ-લેખક શાહબુદીન રાઠોડ, ‘કાળજા કેરો કટકો’ વિદાય ગીત ફેઈમ તેમજ પ્રસિધ્ધ કવિ, લેખક, ‘કવિદાદ’ કલાક્ષેત્રે સરિતા જોશી, પ્રો. સુધીર જૈન, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ, સ્વ. મહેશ-નરેશ વગેરેનો સમાવેશ
રાષ્ટ્રપતિ ભવન ખાતે સવારથી સાંજ સુધી ચાલેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ
ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ્ હસ્તે વર્ષ 2020-21ના પદ્મ એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની 8 હસ્તીઓને આ એવોર્ડથી નવાજવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર વ્યકિતઓ જેમાં પ્રસિધ્ધ હાસ્ય કલાકાર અને અનેક દેશોમાં વસતા ગુજરાતીઓને પેટ પકડીને હસાવનાર અને હાસ્યરસીક માર્મિક વાતોના મર્મજ્ઞ અને પાંચાળની ધરતીના પનોતા પુત્ર શાહબુદીન રાઠોડને શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
ઉપરાંત-જાણિતા કવિ-લેખક ‘કાળજા કેરો કટકો, જેવા ગીતોના રચયતા સ્વ. દાદુદાન ગઢવી ‘કવિદાદ’ તેમજ અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીત-સંગીત-અભિનયના ઓજસ પાથરનાર બેલડી સ્વ. મહેશ-નરેશ તથા રાજકીય ક્ષેત્રે દાયકાઓ સુધી યોગદાન આપનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને મરણોપરાંત એવોર્ડ અપાયો હતો.
ઉપરાંત વાપીના ઉદ્યોગ સાહસિક અને ગાંધીવાદી ગફૂરભાઈ બિલખીયાને વ્યાપાર તથા ઉદ્યોગ ક્ષેત્રે ઉલ્લેખનિય યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જયારે 15 હજારથી વધુ નાટકો કરી ચૂકેલા મૂળ ગુજરાતના અભિનેત્રી સરીતા જોશીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જયારે આઈ.આઈ.ટી ગાંધીનગરના ડાયરેકટર પ્રો. સુધીર જૈનને સાયન્સ એન્ડ એન્જી.માં નોંધપાત્ર યોગદાન આપવા બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ કોલમિસ્ટ ચંદ્રકાંત મહેતાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ગુજરાતના આઠ સહિત 119 વિભૂતિઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ રક્ષામંત્રી સ્વ. મનોહર પરિકર, મરણોપરાંત તેમજ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ, મહિલા હોકી ટીમના કેપ્ટન રાનીરામપાલ, અભિનેત્રી કંગના રનૌત, ગાયક અદનાન સામી, ડાયરેકટર એકતા કપૂર, કરણ જોહર વગેરેને એવોર્ડ અપાયા હતા જયારે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સ્વ. અરૂણ જેટલી, સ્વ. જયોજ ફર્નાન્ડીઝને પણ મરણોપરાંત એવોર્ડ અપાયો હતો.