જામનગર જિલ્લામાં ખતરનાક વાઈરસ કોરોનાનો કાળો કેર યથાવત્ જણાવાઈ રહ્યો છે અને દરરોજ અસંખ્ય લોકો તેની ઝપેટમાં સરી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં આઠ દર્દીઓના મૃત્યુ થયા છે, તો ગઈકાલે વધુ ૧ર૬ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં.
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ એ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. ભારતમાં પણ આ મહામારી વ્યાપક રીતે ફેલાઈ રહી છે. જામનગરમાં પણ કોરોનાનું બિહામણું સ્વરૃપ જોવા મળી રહ્યું છે.
આજે બપોર સુધીમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન જામનગરની હોસ્પિટલમાં કુલ આઠ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, તો વધુ ૧ર૬ લોકો જિલ્લામાં કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં શહેરી વિસ્તારના ૧૦૮ અને ગ્રામ્ય વિસ્તારના ૧૮ દર્દીઓનો સમાવેશ થાય છે.
જો કે, હોસ્પિટલમાં સાજા થતાં દર્દીઓનો રિકવરી રેટ પણ સારો છે. ગઈકાલે ૧ર૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જેમાં ૧૦૧ જામનગર શહેરી વિસ્તારના અને રર ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો સમાવેશ થાય છે.
જામનગરની હોસ્પિટલમાં આજે બપોર સુધીમાં કુલ આઠ દર્દીઓના મૃત્યુ થયા છે, જો કે સત્તાવાર રીતે જાહેર થયેલ મૃત્યુના કેસ શૂન્ય દર્શાવાયા છે.
હાલ જામનગર જિલ્લામાં ર૪૪ એક્ટિવ કેસ છે જેમાં મહાનગરપાલિકા વિસ્તારના ૧૯પ અને ગ્રામ્ય વિસ્તારના ૪૯ નો સમાવેશ થાય છે. જામનગર શહેરમાં ૬૪,૩૪૬ અને ગ્રામ્ય વિસ્તારના ૬૭,૧૪૧ મળી કુલ ૧,૩૧,૪૮૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડના ઈન્ચાર્જ તબીબ એસ.એસ. ચેટર્જી આજથી ફરજ ઉપર પુન: હાજર થઈ ગયા છે અને દર્દી નારાયણની સેવામાં લાગી ગયા છે.
કોરોનાનો કહેર જામનગર જિલ્લામાં સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી જામનગરની જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે તબીબોની કામગીરી પણ ખૂબ જ વધી જવા પામી છે.
જામનગરના કોવિડ-૧૯ ના નોડલ ઓફિસર તરીકે ડો. એસ.એસ. ચેટર્જીને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સતત છેલ્લા પાંચ માસથી એક પણ રજા લીધા વગર દર્દીઓની સેવા કરી રહ્યા છે. આથી તેમને બે દિવસનો બ્રેક આપવા (આરામ કરવા માટે રજા) ઉચ્ચ અધિકારીએ નિર્ણય કર્યો હતો. જેથી બે દિવસનો સંપૂર્ણ આરામ લીધા પછી આજથી તેઓ પુન: પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા મુજબ તેમની તબિયત સારી જ છે. કોઈ બીમારી લાગુ પડી નથી.
જામનગરના અનેક આગેવાનો પણ કોરોના વાઈરસની ઝપેટમાં સરી જતા તેમને સારવાર લેવાની ફરજ પડી છે.
જામનગર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ વસરા પણ કોરોના પોઝિટિવ બનતા તેમને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા ૭૨ કર્મચારીઓ કોરોના સંક્રમિત
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર એવા પેરામેડિકલ સ્ટાફના ૭૨ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત બની ગયા છે, જેથી જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓ માટે સ્ટાફની મોટી ઘટ ઉભી થઈ છે. ૪૦ કર્મચારીઓ હોમ આઈસોલેશનમાં છે, જયારે છ કર્મચારીઓ જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ છે. ઉપરાંત કોરોના સંક્રમિત બનેલા ૧૮ કર્મચારીઓ પોતાની ફરજમાં પરત જોડાઈ ગયા છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ૨૦૦ થી વધુ પેરામેડિકલ સ્ટાફ સારવાર અર્થે જોડાયેલા છે, છેલ્લા ત્રણ સપ્તાહથી પ્રતિદિન ૧૦૦ થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ થઈ રહ્યા છે, અને જી.જી.હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં કામનું ભારણ વધ્યું છે, ચોથા માળથી ૯ માં માળ સુધી પ્રત્યેક માળે કોવિડ સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અને ૩૦ થી વધુ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. આવા સંજોગોમાં દર્દીઓની સારવાર કરી રહેલા કોરોના વોરિયરના મૃત્યુ પણ થઈ ગયા છે ત્યારે ૬ કર્મચારીઓ જી.જી. હોસ્પિટલમાં હાલમાં દાખલ છે. બાકીના ૪૦ કર્મચારીઓને હોમ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. કોરોનાને લડત આપીને ૧૮ કર્મચારીઓ પોતાની ફરજ પર પરત પણ ચડી ગયા છે. જી.જી.હોસ્પિટલમાં કરાર આધારિત ૫૫ જેટલા કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા, અને એક સપ્તાહની વારા ફરતી ડયુટીના ભાગરૃપે તેઓની સારવાર માટે મદદ લેવામાં આવતી હતી, પરંતુ ગઈકાલથી તેઓ રાજીનામા ધરીને છૂટા થયા છે, જયારે ૪૦થી વધુ હોમ આઈસોલેશનમાં છે. ત્યારે કોવિડ બિલ્ડીંગમાં કર્મચારીઓની ઘટ ઊભી થઈ છે, અને જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓ ઉપર કામનું ભારણ ખૂબ જ વધી ગયું છે.