- છેતરપિંડી અટકાવવા સરકાર એક્શનમાં
- સાયબર ગઠિયાઓ દ્વારા આઠ કંપનીઓનો ઉપયોગ કરીને છેતરપીંડી માટે 10 હજારથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા હતા
સરકારે નકલી એસએમએસ મોકલનારી ઘણી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. છેતરપિંડી કરનારાઓએ આ કંપનીઓનો ઉપયોગ છેલ્લા ત્રણ મહિનામાં 10,000થી વધુ છેતરપિંડીભર્યા સંદેશાઓ મોકલવા માટે કર્યો હતો.
દૂરસંચાર વિભાગે ગૃહ મંત્રાલય સાથે મળીને લોકોને એસએમએસ છેતરપિંડીથી બચાવવા માટે આ કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે માહિતી આપી હતી કે છેતરપિંડી કરનારાઓ સાયબર ગુનાઓને અંજામ આપવા માટે કપટપૂર્ણ સંદેશા મોકલી રહ્યા છે. આ આઠ કંપનીઓનો ઉપયોગ કરીને 10 હજારથી વધુ છેતરપિંડીના મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ હેડરોની માલિકી ધરાવતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. વધુમાં, બ્લેકલિસ્ટેડ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા 73 એસએમએસ હેડર્સ અને 1522 એસએમએસ ટેમ્પલેટ્સને પણ બ્લોક કરવામાં આવ્યા છે. હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટર આમાંથી કોઈપણ એસએમએસ હેડર અને એસએમએસ ટેમ્પલેટનો ઉપયોગ કરી શકશે નહીં. સંચાર સાથી કાર્યક્રમ હેઠળ લેવાયેલી આ કાર્યવાહીનો હેતુ નાગરિકોને એસએમએસ છેતરપિંડીથી બચાવવાનો છે.
ટેલીમાર્કેટિંગ માટે મોબાઈલ નંબરના ઉપયોગ પર પ્રતિબંધ
આ સિવાય સરકારે ટેલિમાર્કેટિંગ માટે મોબાઈલ નંબરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ વ્યક્તિ પ્રમોશનલ મેસેજ મોકલવા માટે તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે, તો તે ડિસ્કનેક્ટ થઈ જશે. તેમજ તેનું નામ અને સરનામું બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ટેલિમાર્કેટિંગ કોલ્સ માટે માત્ર 180 અને 140 શ્રેણીના નંબરોનો ઉપયોગ કરી શકાય છે. માર્કેટિંગ માટે 10 અંકનો મોબાઈલ નંબર પ્રતિબંધિત છે. જો તમે કોઈપણ છેતરપિંડીની જાણ કરવા માંગતા હો, તો તમે 1909 ડાયલ કરી શકો છો. તમે ડુ નોટ ડિસ્ટર્બ સેવાનો પણ ઉપયોગ કરી શકો છો.
સંચાર સાથી પર ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરવા અપીલ
ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે જે કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે કંપનીઓ લાંબા સમયથી છેતરપિંડી સાથે સંકળાયેલી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈને શંકાસ્પદ સંદેશ મળે છે, તો તેણે તરત જ સંચાર સાથી પર ઉપલબ્ધ ચક્ષુ સુવિધા દ્વારા જાણ કરવી જોઈએ. આનાથી સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા લોકો અને કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.