- શરદી–ઉધરસના 530, સામાન્ય તાવના 628 અને ઝાડા–ઉલ્ટીના 196 કેસ: મચ્છરની ઉત્પતિ સબબ 162 આસામીઓને નોટિસ
- કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગ ગણાતા કમળા અને ટાઇફોઇડ તાવે ઉપાડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં આઠ કેસ નોંધાયા છે. જો કે, ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. મચ્છરોની ઉત્પતિ સબબ 162 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરની અલગ–અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી–ઉધરસના 530 કેસ નોંધાયા હતા. જ્યારે સામાન્ય તાવના 628 અને ઝાડા–ઉલ્ટીના 196 કેસ નોંધાયા છે. છેલ્લા સાડા ત્રણ માસમાં શરદી–ઉધરસના 12,238, તાવના 10,907 અને ઝાડા–ઉલ્ટીના 2570 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે ટાઇફોઇડ તાવના પણ નવા ચાર કેસ મળી આવ્યા હતા. જ્યારે કમળાના ચાર કેસ નોંધાયા હતા. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની ટીમો દ્વારા 15395 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડ વર્કરો દ્વારા 292 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. જ્યાં લોકોની સંખ્યા વધુ માત્રામાં હોય છે ત્યાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધુ જણાતો હોય છે. જેને ધ્યાનમાં રાખી મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળામાં ફોગીંગ વધુ કરવામાં આવે છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ અને સરકારી કચેરી સહિત બિન રહેણાંક હેતુની 495 મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 84 સ્થળેથી મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. જ્યારે રહેણાંક હેતુની 78 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી હતી.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવતા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ તદ્ન ખોટા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 20 લાખની વસતી વચ્ચે એક સપ્તાહમાં તાવના 628 કેસ અને સામાન્ય શરદી–ઉધરસના 530 કેસ મળી આવે તે માનવામાં ન આવે તેવી વાત છે.