- રાજકોટમાં વકફના નામે ચરી ખાનારા ‘પાંજરે’ પુરાયા
- દુકાનોના તાળા તોડ્યા, સામાન બહાર ફેંક્યો, મિલ્કતને નુકસાની પહોંચાડનાર ટોળાં વિરુદ્ધ કાર્યવાહી
રાજકોટના દાણાપીઠમાં વકફ બોર્ડના નામે ત્રણ ભાડુઆતીની દુકાનનો ગેરકાયદે કબ્જો લઇ તંત્ર આખાને ધંધે લગાડનાર નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી સહીત આઠ શખ્સોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે જયારે વધુ એક શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ભાડુઆતોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના તાળા તોડી મસ્જિદ પ્રમુખ આણી ટોળકીએ દુકાનોના તાળા તોડી કબ્જો પડાવી લીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ગત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ એકતરફ રાજકોટવાસીઓ નવા વર્ષને આવકારવા થનગની રહ્યા હતા ત્યાં બીજી બાજુ દાણાપીઠમાં આવેલી 70 વર્ષ જૂની બે દુકાનોના તાળા તોડી કબ્જો લઇ લેવામાં આવ્યો હતો જયારે અન્ય એક દુકાનના ભાડુઆતને ધમકાવી દુકાનનું તાળું ખોલી કબ્જો પડાવી લેવામાં આવ્યો હતો. મામલામાં 72 વર્ષીય વેપારી વીરેન્દ્રભાઈ કોટેચાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી સહિતના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના સાંજે પાંચ વાગ્યાં આસપાસ વિધર્મીઓનું ટોળું તેમની દુકાને ધસી આવ્યું હતું અને તાળું તોડી અંદર રહેલો સામાન બહાર ફેંકવા લાગેલ હતા. ત્યારે પોતાની દુકાનની સામે આવેલી ભત્રીજાના દુકાને બેઠેલા વેપારી દુકાન ખાતે દોડી ગયાં હતા અને તમે કેમ દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી રહ્યા છો તેવું પૂછતાં નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણીએ વકફ બોર્ડનો લેટર બતાવી અમને બોર્ડએ દુકાનનો કબ્જો લઇ લેવા આદેશ આપ્યો છે તેવું જણાવ્યું હતું. બાદમાં વિરેન્દ્રભાઈ કોટેચાની બાજુમાં હસમુખભાઈ મહેતા નામના વેપારીની ભાડાની દુકાનના પણ તાળા તોડી કબ્જો લઇ લેવામાં આવ્યા હતા. દરમિયાન વીરેન્દ્રભાઈએ બાજુમાં આવેલી અભિષેકભાઈ આડઠક્કરની દુકાનના તાળા તૂટે તે પૂર્વે ભાડુઆતને જાણ કરતા અભિષેકભાઈ પણ દોડી આવ્યા હતા. ત્યારે અભિષેકભાઈને તમારે દુકાનનું તાળું ખોલી સામાન બહાર કાઢશો કે અમે તાળા તોડી નાખીએ તેવી ધમકી આપી ત્રીજી દુકાનનો પણ કબ્જો લઇ લીધો હતો.
વિધર્મીઓએ કરેલા કબ્જા અંગેના સમાચાર વાયુવેગે પ્રસરતા છેક ગાંધીનગર સુધી આ મામલે પડઘા પડતા તાત્કાલિક ગુનો દાખલ કરી ધરપકડ કરવા આદેશ છૂટ્યા બાદ એ ડિવિઝન પોલીસે નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી સહિતના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મામલાની તપાસ પીએસઆઈ બી એચ પરમારને સોંપવામાં આવતા તેમણે કબ્જો લેતી વેળાનો એક વિડીયો કબ્જે કર્યો હતો અને તેમાંથી વિધર્મીઓની ઓળખ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
જેમાં એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી ફારૂક ઈબ્રાહીમભાઈ મુસાણી(ઉ.વ.48 રહે ચામડીયા ખાટકીવાસ), જાકીર હબીબભાઈ મુસાણી(ઉ.વ.42 રહે ચામડીયા ખાટકીવાસ), ગફાર સતારભાઈ અલાણી(ઉ.વ.63 રહે ચામડીયા ખાટકીવાસ), ઈરફાન અબ્દુલભાઈ સોલંકી(ઉ.વ.ચામડીયા ખાટકીવાસ), ફરીદ તૈયબભાઈ શિકાર (ઉ.વ.44 રહે મોચી બજાર), યુનુસ હાજીભાઇ મુસાણી(ઉ.વ.52 રહે.ચામડીયા ખાટકીવાસ), અમીન મહેમુદભાઈ ચૌહાણ(ઉ.વ.52 રહે. ચામડીયા ખાટકીવાસ) અને ઇકબાલ કમાલભાઈ સેતા (ઉ.વ.40 રહે. મોચીનગર, ગાંધીગ્રામ) એમ કુલ આઠ શખ્સોની ધરપકડ કરી હતી. જયારે સરફરાઝ મહમદભાઈ શેખ(ઉ.વ.38 રહે ચામડીયા ખાટકીવાસ)વાળાની શોધખોળ શરૂ કરી છે.
વીજ કનેક્શન ચાલુ નહિ હોવાનું કહી વકફ બોર્ડને ગેરમાર્ગે દોર્યું
કબ્જો લઇ લેનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર ફારૂક મુસાણીએ વકફ બોર્ડમાં આ ત્રણેય દુકાનમાં વર્ષ 2010 થી વીજ કનેક્શન ચાલુ નહિ હોવાનું જણાવી, ખોટા કાગળો રજૂ કરી વકફને ગેરમાર્ગે દોર્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ખરેખર આ ત્રણેય દુકાનમાં આજદિન સુધી વીજ કનેક્શન અવિરતપણે ચાલુ હોય અને વિજબીલ પણ આવતું હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે.