એસઓજી ટીમે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી
મોરબીના ચકચારી બોગસ સિરામિક કંપની બનાવીને ૧૭.૭૬ કરોડના ચકચારી જીએસટી ચોરીના કોભાંડની તપાસ એસઓજી ટીમને સોપવામાં આવ્યા બાદ એસઓજી ટીમે તુરંત એક્શન લઈને આઠ આરોપીને ઝડપી લીધા છે.
રાજ્ય વેરા અધિકારી વિનોદ મકવાણાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી રાજન ટાઈલ્સ, લેરીક્સ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેત સિરામિક હેસ્ટન સિરામિક, ડેલફાઈન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, કલાસીસ સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક, મોસ્કો સિરામિક કંપનીના માલિકો વિરુદ્ધ બોગસ ડોક્યુમેન્ટને આધારે જીએસટી નંબર મેળવીને ૩૮૫૨ ઈ વે બીલ બનાવી કુલ વેરો ૧૭,૭૬,૬૦,૫૫૬ નહિ ભરીને સરકાર સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદની તપાસ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલને સોપવામાં આવી હતી અને એસઓજી ટીમે તુરંત એક્શન મોડમાં આવીને સઘન તપાસ ચલાવી હતી જેમાં આરોપી મુસ્તાક અકબર જામ (ઉ.વ.૨૮) રહે માળિયા, ગુલામરસુલ હૈદર જામ (ઉ.વ.૨૮) રહે માળિયા, કિશન જશાભાઈ કાનગડ (ઉ.વ.૨૬) રહે જશાપર તા. માળિયા, હાર્દિક પ્રફુલભાઈ કટારીયા (ઉ.વ.૨૯) રહે બોનીપાર્ક મોરબી, રવિ દિલીપભાઈ ઓઝા (ઉ.વ.૩૦) રહે મોરબી, વિપુલ ધનજીભાઈ ફૂલતરીયા (ઉ.વ.૩૪) રહે મોરબી, દર્શિત પ્રવીણભાઈ મેવાડા (ઉ.વ.૨૨) રહે મોરબી, અને ધર્મેન્દ્ર દિલીપભાઈ અજાણા (ઉ.વ.૨૫) રહે ઘુનડા સજ્જનપર તા મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.
માળીયાના બંને ઈસમો ગરીબો પાસેથી ડોક્યુમેન્ટ મેળવતા
ઝડપાયેલ આરોપી પૈકીના મુસ્તાક જામ અને ગુલામરસુલ જામ એ માળિયા જેવા પછાત વિસ્તારમાંથી ગરીબોને પૈસાની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવતા હતા અને તેનો ઉપયોગ જીએસટી નંબર મેળવવા માટે કરતા હોવાનો ખુલાસો થયો છે.
આરોપી હાર્દિક સીએનો અભ્યાસ કરતો હોવાનો ખુલાસો
એસઓજી ટીમે ઝડપી લીધેલ અન્ય આરોપી હાર્દિક કટારીયા ઇન્ટર સીએ નો અભ્યાસ કરતો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે અને સીએનો અભ્યાસ કરતા હાર્દિકે બોગસ ડોક્યુમેન્ટ થકી ઓનલાઈન જીએસટી નંબર મેળવવા માટેની પ્રોસેસ કરી હોવાનું તપાસ ચલાવતા એસઓજી અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.