હલ્દી ઘાટીના યુધ્ધમાં પરાજય બાદ મહારાણાએ ચેતક સાથે પોલોના જંગલમાં લીધો હતો આશરો
વિજયનગરનું પોળો ફોરેસ્ટ એ રસપ્રદ સ્થળોની શોધખોળ માટેનું સ્વપ્ન સાકાર કરતું અદભુત ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બન્યાની હકીકતો સામે આવી છે.ત્યારે ગઈ તા.7 મે. ના રોજ જેમની જન્મજયંતિ ઉજવાઇ એવા પ્રતાપી મહારાજા મહારાણા પ્રતાપ અને એમના ચેતક ઘોડાની ઐતિહાસિક વાસ્તવિકતાઓ કે જે સાબરકાંઠાના વિજયનગરની પોળો ફોરેસ્ટ સાથે સંકળાયેલી છે એની કથા અત્રે પ્રસ્તુત છે.
હલ્દીઘાટીનું પ્રખ્યાત યુદ્ધ હારી ગયા પછી મહારાણા પ્રતાપ અને તેમના ચેતક ઘોડાનું છુપાવવાનું સ્થળ વિજયનગરની પોળોમાં હતું ..!!જ્યાં એક વટવૃક્ષ હેઠળ મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડાની મોટી પ્રતિમાઓ છે.
મહારાણા પ્રતાપ (1540-1597) ભારતના હાલના રાજસ્થાન રાજ્યમાં આવેલા મેવાડના 13મા રાજા હતા. તે વિસ્તરતા મુગલ સામ્રાજ્યના લશ્કરી પ્રતિકાર માટે પ્રખ્યાત છે. મહારાણા પ્રતાપ અને આમેરના માન સિંહ વચ્ચે 15 જૂન 1576ના રોજ હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. આમેર સહિત મોટાભાગના રાજપૂત સામ્રાજ્યો મુગલ સામ્રાજ્યના જાગીરદાર બની ગયા હતા. જ્યારે મહારાણા પ્રતાપ સિંહાસન પર બેઠા હતા, ત્યારે મુગલ સમ્રાટ અકબરે તેમને મુગલ સામ્રાજ્યના જાગીરદાર બનવા માટે ઘણા દૂતો મોકલ્યા હતા પણ તેઓ મુગલને વશ થયા ન હતા.
મહારાણા પ્રતાપને એકમાત્ર રાજપૂત રાજા માનવામાં આવે છે જેમણે ક્યારેય મુગલોની શરણાગતિ સ્વીકારી ન હતી. તેથી તેઓ રાજસ્થાનના લોકો દ્વારા આદરણીય છે.હલ્દીઘાટીના યુદ્ધ પહેલા મહારાણા પ્રતાપે પૂર્વી મેવાડની ફળદ્રુપ જમીનનો મોટો હિસ્સો ગુમાવી દીધો હતો. પરંતુ તે કેટલાક ભીલ જાતિઓ અને તેના લશ્કરના વડા, મુસ્લિમ અફઘાન પઠાણ, હકીમ ખાન સુરની મદદથી બહાદુરીથી લડ્યા. હલ્દીઘાટી ખાતે મહારાણા પ્રતાપનો પરાજય થયો હતો પરંતુ આ વફાદાર ઘોડા ચેતકની મદદથી તેઓ ભાગવામાં સફળ થયા હતા.
તેઓ વિજયનગર સામ્રાજ્યના જંગલ વિસ્તારમાં ઘણા વર્ષો સુધી છુપાઈને ફરતા રહ્યા હતા., જે રજવાડા તેમના માટે મૈત્રીપૂર્ણ હોવાનું કહેવાય છે. વિજયનગર પોળોના એક વટવૃક્ષ હેઠળ મહારાજા રાણા પ્રતાપ અને એમના ચેતક ઘોડાની મોટી પ્રતિમાઓ છે જે ઇતિહાસની ગવાહી પૂરે છે.સને.1582માં મૃત્યુ પથારીએ તેમણે તેમના પુત્ર અમરસિંહને ક્યારેય મુગલોને શરણે ન થવાનું કહ્યું હોવાનું કહેવાય છે.
વિજયનગરની પોળોમાં વટવૃક્ષના થડ નીચે મહારાણા પ્રતાપ અને તેમના વિશ્વાસુ સાથી ચેતકની મોટી પ્રતિમાઓ તેમના ગૌરવ સમાન ઊભી છે! વટવૃક્ષના થડ નીચે એક શિવ લિંગ પણ છે. સમગ્ર પ્રદેશ આવા અદ્ભુત સ્થળોથી ભરેલો છે અને પોળો ફોરેસ્ટ વિસ્તારમાં આવી કેટલીયે અદભુત ઐતિહાસિક વિરાસત નિહાળવા આજે પણ પોળો વિસ્તારમાં દૂરદૂરથી હજારો મુલાકાતીઓ અહીં આવે છે.!