• ‘અહંકાર એક એવી ઊંડી ખાઈ છે, જેમાં મનુષ્ય ઊંડોને ઊંડો ડૂબતો જાય છે.’

પંચતંત્રની એક બોધ કથા છે : એક સાંકડા પુલ ઉપર બે બકરાં સામસામે આવી જાય છે.પુલ ખૂબ સાંકડો હોવાથી એકબીજાને ઓળંગીને આગળ નીકળી ન શકાય એવી પરિસ્થિતિ સર્જાય છે. આ બન્ને બકરાંમાં એક બકરું સમજદાર હતું.થોડું આગળ ચાલ્યા પછી એને ખ્યાલ આવ્યો કે હવે બેમાંથી કોણ પાછું જશે ? જો બંને સામસામે થઈ જશે તો નીચે પડી જવાનો ભય હતો. ત્યારે બીજું બકરું ધીમેથી નીચે બેસી ગયું. બીજું બકરું એની ઉપરથી ખુશ થતું પસાર થઈ ગયું.

થોડા સમય પછી આ પુલ પર જ બે ફૂતરાં સામસામે આવી ગયા. બકરાના જેવી સ્થિતિ આ કૂતરાંઓની સર્જાઈ.પુલ સાંકડો હોવાને કારણે એકબીજાને ઓળંગીને આગળ નીકળી શકાય એમ તો હતું નહીં.બન્ને કૂતરાંઓ સામસામે ભસવા અને ઝઘડવા લાગ્યા.બેમાંથી એક પણ કૂતરાંને બકરાં જેવી સમજણ આવી નહીં. આથી ઝઘડતા ઝઘડતા બંને પુલની નીચે નદીમાં પડ્યાં અને મોતને ભેટયાં. આ વાર્તાનો સારો એવો છે કે જીવનમાં જે ’નમે તે સૌને ગમે.’ બકરાંઓએ સમજણ પૂર્વક માર્ગ કાઢી લીધો. જ્યારે કૂતરાંઓના અહંકારને લીધે સમજણ પૂર્વક રસ્તો કાઢવાને બદલે મૃત્યુને ભેટ્યાં. આમ જીવનમાં અહંકાર અતિ હાનીકર્તા છે.

મનુષ્ય સ્વભાવગત કર્મ કરતો આવ્યો છે,પણ જો તેના કર્મમાં પુરુષાર્થ ભળે તો સફળતા મળવાની શક્યતા વધી જાય છે.એ સાથે તેને આ સફળતા પચી જાય તો તેનામાં અહંકાર પેદા થતો નથી.પણ જો તે સફળતા પચાવી ન શકે તો તેનામાં અહંકાર જન્મે છે.સામાન્ય રીતે છીછરાં પાણીમાં છબછબિયાં કરતો મનુષ્ય પોતાની નાનકડી સફળતાના ગુણગાન ગાતો ફરે છે.જ્યારે સાગરના ઊંડા પાણીમાં તળિયા સુધી ડૂબકી મારનાર મરજીવો સૌ લોકોમાં માનીતો બની જાય છે.એને પોતાના વખાણ કરવા પડતા જ નથી, પરંતુ લોકો સામે ચાલીને એની પ્રશંસા કરવા આવે છે.આવા મનુષ્યને જ નિરહંકારિતાનું અણમોલ મોતી પ્રાપ્ત થતું હોય છે.

વ્યક્તિ જયારે વિચારે છે કે આ કાર્ય હું જ સારી રીતે કરી શકું.મારા સિવાય આ કામ કોઈ ન કરી શકે.આ તેનું અભિમાન બોલે છે.પણ જ્યારે તે એમ કહે કે મારા હાથમાં આ કાર્ય આવે તો હું સારી રીતે કરવા કોશિશ કરીશ. ત્યારે તેનામાં નિરભિમાનીપણું પ્રવેશે છે. જો કે આજે લોકોમાં અહંકાર તેના સ્વભાવમાં જ વણાઈ ગયો છે.તેનામાં કોઈપણ નાની મોટી વાતોમાંથી અહંકાર ઉત્પન્ન થતો હોય છે.

મનુષ્યનો અહંકાર એને દંભયુક્ત આનંદ આપે છે.જયારે નિરહંકારીપણું સાત્વિક આનંદની અનુભૂતિ કરાવે છે.અહંકારી મનુષ્ય સ્વભાવથી આત્મકેન્દ્રી બને છે,જ્યારે નિરહંકારી મનોવૃત્તિ મનુષ્યને સમાજકેન્દ્રી બનાવે છે.અહંકાર એક એવી ઊંડી ખાઈ છે,જેમાં મનુષ્ય ઊંડો ને ઊંડો ડૂબતો જાય છે. જયારે નિરહંકારીપણું આકાશની ઊંચાઇ બક્ષે છે.અહંકાર અસ્થાયી સુખ આપે છે જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે.સમય જતાં અહંકાર મનુષ્યને સમાજ અને પરિવારમાંથી એકલો પાડી દે છે. જ્યારે નિરહંકારવાળા મનુષ્યને ચારે તરફ માન, પાન અને પ્રતિષ્ઠા મળે છે.વિલ ફ્રી નામના ચિંતક કહે છે : ’સૂર્યના કિરણો સાંજે નીચા નમે છે, ત્યારે તે વધુમાં વધુ લાંબે સુધી પથરાય છે. જ્યારે આપણી જાતને મોટી – લાંબી માનીએ છીએ ત્યારે હકીકતમાં આપણે ટૂંકા – નાના બની જઈએ છીએ.’

પોતાની સાથે સાથે બીજા વિશે પણ વિચારી શકાય ત્યારે તે અહમ્ છે.પરંતુ પોતાના સિવાય બીજા કોઈ વિશે વિચારો આવતા બંધ થઈ જાય ત્યારે અહંકાર બની જાય છે.દ્રૌપદીએ ભરસભામાં નિર્ણય કર્યો કે ત્યાં સુધી વાળ નહીં બાંધે જ્યાં સુધી દુર્યોધનને સજા કરવામાં નહીં આવે.ચાણક્યએ પ્રતિજ્ઞા કરી કે ત્યાં સુધી શિખા બંધન નહીં કરે જ્યાં સુધી પોતાના અપમાનનો બદલો નહીં લે. લાઓત્ઝુ કહે છે સીધા સાદા શબ્દો હંમેશા દ્વિઅર્થી હોય છે : એક શબ્દના બંને અર્થ પરસ્પર વિરોધી હોય છે.અહમ્ ના બે અર્થ થાય છે. બંને અર્થ પરસ્પર વિરોધી છે.માણસનો અહંકાર એની અંદર જીવતા રાક્ષસને જગાડે છે અને અહમ્ એની અંદર જીવતા કલાકાર માટે પ્રાણવાયુનું કામ કરે છે.અહમ્ વ્યક્તિને પોતાના હોવાપણા અને અસ્તિત્વ વિશે સભાન સજાગ રાખે છે.જ્યારે અહંકાર આપણા અસ્તિત્વનું ભાન ભુલાવીને ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે.આ બે શબ્દો વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે.

કોઈપણ સ્થિતિ સામે ન હારવું.સમજ્યા વગર ન સ્વીકારવું અને પોતાની સમજ પ્રમાણે દલીલો કરવી એ અહંકાર છે.જેને ’સાહેબ’ કહેવું પડતું હોય, તે આપણાથી ઉંમરમાં મોટા,વધુ સત્તા કે પૈસો ધરાવતા માણસોની વાત ખોટી હોય છતાં સ્વીકારવી એ નમ્રતા છે.આપણે જ્યારે કહીએ કે મારો અધિકાર છે,ત્યારે એ મેળવવાની યોગ્યતા પણ છે એવું આપોઆપ પ્રતિપાદિત થાય છે.અહંકાર દરેક વખતે ખોટો હોઈ શકે પરંતુ અહમ્ દરેક વ્યક્તિને હોય છે – હોવો જોઈએ.એની માત્રા નક્કી કરવા પૂરતો જ અધિકાર વ્યક્તિને છે.

દરેક માણસના અહંકારને એક રંગ હોય છે.ક્યારેક ઈર્ષાનો લીલો રંગ હોય છે,તો ક્યારેક ક્રોધનો લાલ રંગ.ક્યારેક ઉદાસીનો કાળો રંગ તો ક્યારેક સત્વના સફેદ રંગનો પણ અહંકાર હોઈ શકે.માણસ માત્ર પાસે અહમ્ અને અહંકારના બે ખાનાં હોય છે.સમયાંતરે સ્થિતી અને વ્યક્તિ મુજબ એ આપોઆપ ખૂલે છે.જે આ ખાનાઓને પોતાની ઈચ્છા મુજબ ઉઘાડ – બંધ કરી શકે,તેને ’સંયમી’ કહી શકાય.

અહંકાર અર્થાત્ ઘમંડને કારણે આપણા બધા જ ગુણોનું મહત્વ ખતમ થઈ જાય છે અને આપણને બરબાદ કરી શકે છે.આ વાત શાસ્ત્રોમાં હિરણ્યકશિપુ, રાવણ,કંસ દુર્યોધન જેવા પાત્રો દ્વારા સમજાવવામાં આવી છે.આ બધા લોકો ખૂબ જ શક્તિશાળી હતા.પરંતુ તેમના અહંકારને કારણે તેમના સમગ્ર કુળનો નાશ થયો હતો.

  • વિદ્વાનો – ચિંતકોએ અહંકાર અને નિરહંકારીપણાં વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા આલેખી છે.
  • ઈતિહાસ સાક્ષી છે કે જેમણે અહંકાર ત્યાગી દીધો છે, એ સંત બની શક્યા છે.મહામાનવ તરીકેનું બિરુદ પામ્યાં છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.