સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી. હોલમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના અંગે સેમિનાર યોજાયો
સેમિનારમાં યોજના અંગે ૩૦૦થી વધુ પ્રોફેસરોએ માર્ગદર્શન મેળવ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના અંગે એન.એફ.ડી.ડી. હોલ ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં યોજનાના અમલીકરણ માટે યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી બે-બે અધ્યાપકો હાજર રહ્યા હતા. કુલ ૩૦૦થી વધુ અધ્યાપકો હાજર રહીને આ યોજના અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયા, ડે.રજીસ્ટ્રાર ડો.રમેશ પરમાર, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, ફાર્મસી ભવનના વડા ડો.મિહિર રાવલ અને ડો.નિકેશભાઈ શાહ સહિતનાઓ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના અંગેનું માર્ગદર્શન પુરુ પાડયું હતું.
વિદ્યાર્થીઓના નવા વિચારને ટેકો આપી વૃદ્ધિને સતતવેગ મળે તે હેતુથી ગુજરાત સરકારએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના પોલીસી જાહેર કરી છે. આ પોલીસીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના વિચારે નાણાકીય અને અન્ય સુવિધાઓ દ્વારા ટેકો આપી ઈનોવેટીવ વિચારને પેટન્ટ સુધી પહોંચાડી અને ઉધોગ સાહસિકતાના નવા શિખરો પર લઈ જવાનું છે. આ સેમીનારમાં ડો.મેહુલ પાણીએ અધ્યાપકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજય સરકાર તરફથી પોલીસી અંતર્ગત રૂ.૫ કરોડનું અનુદાન ફાળવેલ છે. જેમાં ૫ લાખનો પ્રથમ હપ્તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલ છે અને બાકી રકમ ક્રમશ મળતી રહેશે. આ પોલીસીમાં અરજી કરવા માટે યુનિવર્સિટીએ એક ગુગલ ફોર્મ બનાવેલ છે. જે યુનિવર્સિટીની વેબસાઈટ પર ન્યુઝ નામના ટેબથી મળી શકશે. વિદ્યાર્થીઓને પ્રાથમિક તબકકે રૂ.૨ લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજનાનો લાભ વધુને વધુ વિદ્યાર્થીઓને મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોને આ યોજના વિશે પુરુ માર્ગદર્શન મળી રહે તે માટેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજનાથી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝ અને સમાજને લાભદાયી બની રહે તેવા પ્રોજેકટો આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્રની અલગ-અલગ કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સમાજને આ યોજનાથી બહોળો લાભ મળશે.