બન્ને દેશો નવા દરિયાઈ માર્ગને અપનાવવા પ્રયત્નશીલ
યુદ્ધ બાદ રશિયાના ભારત સાથેના વ્યાપારી સંબંધો વિકસ્યા છે. આ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે બંને મિત્ર દેશો સાથે મળીને આર્કટિકમાંથી પસાર થતા ઉત્તરીય સમુદ્રી શિપિંગ રૂટના ઉપયોગનો વિસ્તાર કરવા પર વિચાર કરી રહ્યા છે. રશિયાની ઈંટરફેક્સ એજન્સીએ તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પ્રોસેસિંગ સુવિધાઓનું નિર્માણ સામેલ થઈ શકે છે.
અહેવાલ અનુસાર, રશિયન મંત્રી એલેક્સી ચેકુનકોવ ભારતની મુલાકાતે છે. ભારતીય અધિકારીઓ સાથેની તેમની વાતચીતમાં રશિયન અને ભારતીય બંદરોનો ઉપયોગ કરીને ઉત્તરીય દરિયાઈ માર્ગ દ્વારા માલસામાનની ’વિશ્વસનીય અને સલામત’ પરિવહન એક મહત્વપૂર્ણ મુદ્દો હતો. ચેકુનકોવે એક નિવેનમાં કહ્યું હતું કે, ’અમે નોંધ્યું હતું કે વ્લાદિવોસ્તોક બંદરથી ભારતમાં ક્ધટેનર મોકલવાનો ખર્ચ મોસ્કોથી ક્ધટેનર શિપિંગના ખર્ચ કરતાં એક તૃતીયાંશ ઓછો છે.’
ઉત્તરી દરિયાઈ રૂટને રશિયા પોતાની મુખ્ય શિપિંગ લેન બનાવવા માંગે છે અને તેણે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ભારે રોકાણ કર્યું છે. આ માર્ગ રશિયાના ઉત્તરી દરિયાકિનારેથી પસાર થાય છે અને પૂર્વ એશિયા અને યૂરોપ વચ્ચેનો સૌથી ટૂંકો શિપિંગ માર્ગ છે.
રશિયા શિયાળામાં આ દરિયાઈ રૂટનો ઉપયોગ નથી કરી શકતું કારણ કે આર્કટિકમાંથી પસાર થવાના કારણે ત્યાં બરફનું જાડુ પડ જામી જાય છે. જો કે ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે અને દરિયાઈ રસ્તામાં બરફની સમસ્યા ઘટી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રશિયા આ વર્ષના અંત સુધીમાં આ રૂટ દ્વારા વર્ષભર શિપિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.યુક્રેન પરના આક્રમણ માટે ભારતે હજુ સુધી રશિયાની નિંદા કરી નથી. યુદ્ધ શરૂ થયા બાદ બંને દેશોના વેપારમાં ખાસ કરીને ક્રૂડ ઓઈલના મામલે ભારે વધારો થયો છે. આ સપ્તાહમાં મંગળવારના રોજ રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું હતું કે ભારતને રશિયન ક્રૂડ ઓઈલની નિકાસ ગત વર્ષની સરખામણીમાં 22 ગણી વધી છે
યુદ્ધ પહેલા રશિયા પાસેથી ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ આયાત કરતું ભારત હવે તેનું ટોચનું તેલ આયાતકાર બની ગયું છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન ભારતે વિશ્વભરના ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશો પાસેથી કુલ 1.27 અબજ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. તેમાંથી લગભગ 19 ટકા ક્રૂડ ઓઈલ રશિયાથી આયાત કરવામાં આવ્યું હતું.