રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ તેમજ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારંભ યોજાયો

14 વિદ્યાશાખાના 43062 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત: 13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીઓને 147 ગોલ્ડમેડલ અર્પણ કરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાનજી ભુટા બારોટ હોલ ખાતે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને  મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57માં પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ માધ્યમની ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો, એ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે કે જ્યાં એક સાથ એગ્રીકલ્ચર અને એનીમલ હસ્બન્ડરીનો અભ્યાસ કરાવવામાં આવશે.

આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વ પૂર્ણ છે. એક લક્ષ્ય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનુંએ લક્ષ્ય આજે પૂર્ણ થયું છે. સુવર્ણ પદક અને પદવી મેળવનાર વિધાર્થીઓના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુરુ અને માતા – પિતાની ભૂમિકા વધુ મહત્વની છે. જેના પ્રયાસો – તપસ્યા –  પરિશ્રમ અને અનુભવો થકી જ તમને આ પદવી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. જે શિક્ષા તમને જવાબદાર નાગરિક ન બનાવી શકે એ શિક્ષાનું કોઈ મૂલ્ય નથી. ત્યારે તમને મળેલી શિક્ષાનું સમ્માન કરીને એક જવાબદાર નાગરિક બનવાની જવાબદારી વધી જાય છે.

Screenshot 5 20

આપણા વ્યવહારથી સમાજમાં આપણા ગુરુ અને માતા – પિતાનું ગૌરવ વધારવું જોઈએ તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના ગુણોને યાદ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા રાજ્યપાલશ્રી દેવવ્રતે કહ્યું હતું કે, વિદ્યા પ્રાપ્ત કરનાર વ્યક્તિનું જીવન સત્ય ઉપર આધારિત હોવું જોઈએ. સત્ય પ્રકાશ સમાન છે. સત્યતા સાથેનું જીવન અમરતા પ્રદાન કરે છે. ગાંધીજીનું જીવન દર્શન આજે વિશ્વ માટે પ્રેરણસ્રોત છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક મુશ્કેલીઓને સહન કરીને ભારતની અખંડિતતા માટે અમૂલ્ય પ્રદાન આપ્યું છે. તેથી  સત્યની પરીક્ષા આપીને સ્વયંમને એક જવાબદાર નાગરિક તરીકે સાબિત કરો. જીવનમાં જે જવાબદારી સંભાળો તેને કર્તવ્ય પરાયણતા સાથે પૂરી કરો.

આ તકે રાજ્યપાલે સૌરાષ્ટ્ર યુવિર્સિટીને કૃષિ ગૌ વિદ્યા કેન્દ્રની પહેલ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પ્રકૃતિ ખેતીના મહત્વ વિશે સમજ આપીને લોકોને સ્વાસ્થ્ય વર્ધક જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.

કેબિનેટ મંત્રી ઋષિકેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી હોતો, એ જીવન પર ચાલતી નિરંતર પ્રક્રિયા છે. ભારતીય યુવાનોનું ટેલેન્ટ વિશ્વના તમામ ખૂણે જોવા મળે છે. શિક્ષણ અને દુનિયા સાથે તાલમેલ મેળવી શકાય તેવા પ્રયાસો દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનેલી નવી શિક્ષણ નીતિમાં તેનો સાક્ષાતકાર થાય છે. અને નવી શિક્ષણ નીતિમાં ગીતા, રામાયણ, મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન વણી લેવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય. તેમજ ગુરૂજનોએ પણ સતત અપડેટ રહેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.

Screenshot 4 13

રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ કહ્યું હતું કે વિદ્યાર્થી શિક્ષણનો સાચો મર્મ અને ધર્મ સમજે, તેમણે પ્રાપ્ત કરેલું શિક્ષણ સમાજ ઉપયોગી બને અને રાષ્ટ્રને સમર્પિત થાય તે આજના સમયની જરૂરિયાત છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને જીવનની સર્વોત્તમ ઉદ્ધવગામી સિદ્ધિ પ્રાપ્ત કરે તે સાચા અર્થમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું ગણાય. રાગ –  દ્વેષ લોભથી દૂર રહીને કર્મની રાહ પર ચાલીને “સત્યમેવ જયતે”નો ભાવ રાખીને આગળ વધવા મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીઓને 147 ગોલ્ડમેડલ અર્પણ કરાયા તકે મહાનુભાવોના હસ્તે 13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીઓને 147 ગોલ્ડમેડલ અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ધીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્ચ-1 જનરલ સર્જરી માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ તથા એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્ચ-1 જનરલ સર્જરીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ, ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ, લાઠીના વિદ્યાર્થી લશ્કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ-6 માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ, દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેરની વિધાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યા છે. ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં લાકડાના વિશિષ્ટ બોક્ષમાં પદવી એનાયત કરવામાં આવી હતી

આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલ, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. એમ.એમ. ત્રિવેદી, સિન્ડિકેટ સભ્ય ડો. રાજેશભાઈ કાલરીયા, ડો. વિમલભાઈ પરમાર, ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનોના અધ્યક્ષ, પ્રાધ્યાપક, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોલ્ડ મેડાલિસ્ટને આકર્ષક વૂડન બોક્સમાં ડિગ્રી અપાઈ

દર વર્ષે યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સામાન્ય ફાઈલમાં પદવી અને અન્ય સર્ટિફિકેટ આપવામાં આપતા હોય છે, પરંતુ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિશેષ અને આકર્ષક વૂડનના બોક્સ બનાવવામાં આવ્યા હતા તેમાં જે 126 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ મળ્યા હતા તેને આ વિશેષ વૂડન બોક્સમાં ડિગ્રી અપાઈ હતી. આ વૂડન બોક્સમાં વિદ્યાર્થીનો ફોટો, તેનું નામ અને વિદ્યાશાખા દર્શાવવામાં આવી છે.

Screenshot 6 17જામનગરની તાન્યા ઇન્દ્રપાલે 10 ગોલ્ડમેડલ મેળવ્યા

તાન્યાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સખત મહેનત અને મારી કોલેજના તમામ પ્રોફેશર તેમજ માતા પિતાના સહયોગથી હું અહીં સુધી પહોંચી છું. હું જે સ્થાને છું તે સ્થાને ભવિષ્યના જે યુવાઓ છે તે પણ જરૂરથી પહોંચી શકે છે. ખાસ તો હવે સરકાર દ્વારા ગુજરાતી વિષયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આગામી સમયમાં મેડિકલનો અભ્યાસ માતૃભાષામાં થશે જે ખુબ સારી બાબત છે. અને તેનાથી દર્દીઓને ઘણી રાહત થશે. 10 ગોલ્ડમેડલ એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થિની આનંદ તાન્યા ઈન્દ્રપાલને એમ.બી.બી.એસ.માં, અને સાથોસાથ 15 પ્રાઇઝ પણ અપાઈ હતી.

Screenshot 7 14થોડા દિવસોમાં રાજ્યની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણુંક થશે: ઋષિકેશ પટેલ

સૌરાષ્ટ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજ્યની ઘણી યુનિવર્સીટીમાં કાયમી કુલપતિ નથી આગામી થોડા દિવસોમાં તમામ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુંક કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોપીકેશ મામલે કોઈપણને છોડવામાં નહિ આવે આગામી સમયમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

vlcsnap 2023 01 20 13h48m38s930શિક્ષણમંત્રીના હસ્તે ગોલ્ડમેડલ મળવો તે ગૌરવની વાત: માનસી જોશી

બીજેએમસીમાં ગોલ્ડમેડલ મેળવનારી વિધાર્થીની માનસી જોશીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મેં પત્રકારત્વ ક્ષેત્રે ગોલ્ડમેડલ મેળવ્યો છે અને આ ગોલ્ડમેડલ મને શિક્ષણમંત્રીના હસ્તે મળ્યો તે ગૌરવની વાત છે. પત્રકાર ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિધાર્થીઓને મારો એ જ સંદેશો છે કે, પત્રકાર એ દેશની ચોથી જાગીર છે અને તેમાં અનેક તકો રહેલી છે દરરોજ કંઈક નવું જાણવા મળે છે. મને મળેલો ગોલ્ડ મેડલ જેનો શ્રેય મારા માતા પિતા અને મારા પ્રોફ્રેશર તેમજ મારી મહેનતને આપું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.